પાટણમાં સામૂહીક આત્મહત્યાના પ્રયાસમાં દીકરી બાદ પિતા-પુત્રનું પણ સારવાર દરમિયાન મોત

Share

 

જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કરનારા હારીજ તાલુકાના ખાખલ ગામના પરિવારના અન્ય બે સભ્યોનું ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે સારવાર દરમિયાન અમદાવાદમાં મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, જીલ્લા પોલીસ વડાની કચેરીમાં એક પરિવારની ઝેરી દવા ગટગટાવી સામૂહીક આત્મહત્યા કરવાના મામલે દીકરી પછી પિતા-પુત્રનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બે દીકરીઓ હજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ગત સપ્તાહમાં પાટણ જીલ્લા પોલીસ વડાની કચેરીમાં હારીજ તાલુકાના ખાખલ ગામના પરમાર પરિવારે સામૂહીક આત્મવિલોપનના પ્રયાસ રૂપે સમૂહમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી પરિવારના પાંચ સભ્યોને સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન પરિવારના તમામ સભ્યોની હાલત નાજુક જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એપોલો હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

 

 

 

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારની માસૂમ દીકરીનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારે ગઇકાલે શુક્રવારની મોડી રાત્રે પરિવારના મોભી રેવાભાઇ અને તેમના પુત્ર પૂનમનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. જેથી બંને મૃતકોની લાશનું પી.એમ. કરી તેમના માદરે વતન ખાખલ ગામમાં અંતિમ વિધી માટે લાવવામાં આવી રહ્યા હોવાનું અને આ મામલે પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

 

હારીજ તાલુકાના ખાખલ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોની સામૂહીક આત્મહત્યાના પ્રયાસમાં પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે સમગ્ર ખાખલ ગામમાં અને તેમના પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. જો કે, પરિવારની બે માસૂમ દીકરીઓ હાલમાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર નીચે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હોવાનું પણ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share