પાલનપુરમાં ટ્રાફીક મુક્ત એરોમા સર્કલ અભિયાનમાં નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખી 20 લારી-ગલ્લા અને કેબિનો હટાવ્યા

Share

 

એરોમા સર્કલના નવીનીકરણ પ્રોજેક્ટનો સુચારૂ રૂપથી અમલ કરવાના ભાગરૂપે શુક્રવારે નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કચેરીના સ્ટાફે પોલીસ સાથે મળી લારી-ગલ્લા અને કેબિનો હટાવ્યા હતા. નગરપાલિકાના કર્મચારીઓ દબાણ હટાવી રહ્યાની માહિતી મળતાં જ એરોમા સર્કલ પર શુક્રવારે સવારે અફડા-તફડી સર્જાઇ હતી.

 

 

મોટાભાગના નાસ્તાની લારી પાર્લર ચલાવતાં કેબિન ધારકો સહીતના લોકો અન્યત્ર જતા રહ્યા હતા. જો કે, નગરપાલિકાએ કેટલાંક લોકોનો સરસામાન જપ્ત કરી ટ્રેક્ટરમાં ભરી દીધો હતો.

 

 

 

 

નગરપાલિકા અને પોલીસની ટીમ ઉપરાંત આર.ટી.ઓ. કચેરીના ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે એરોમા સર્કલ પર મુસાફરો ભરવા માટે ઉભા રહેતાં વાહનચાલકોને હવેથી અહીં ન ઉભા રહેવા તાકીદ કરી જો કોઇ પણ વાહન અહીં જોવા મળશે તો તેને ડીટેઇન કરી દંડ ફટકારાશે તેવી સુચના આપી હતી.

 

 

 

 

જેના લીધે અમદાવાદ હાઇવેથી ડીસા હાઇવે તરફનો રસ્તો લોકડાઉન બાદ પ્રથમવાર સાવ ખુલ્લુ જોવા મળ્યો હતો. ડીસા હાઇવેથી આબુ હાઇવે તરફ આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષ સંચાલકોને બોલાવી ગ્રાહકોના વાહનોનો પાર્કીંગમાં પાર્ક કરવા સુચના અપાઇ હતી. ડીસા હાઇવેથી આબુ હાઇવે તરફ જવા માટેના રસ્તાને ખુલ્લા રાખવા માટે સર્વિસ રોડ પર એક પણ વાહન પાર્કીંગ ન થાય તેની અગાઉ પોલીસ વિભાગને સુચના આપી હતી.

 

 

 

 

અમદાવાદ હાઇવે પર નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરતાં સ્થાનિક કેબિન ધારકોએ અમારા કેબિન વર્ષો જૂના અહીં છે અને મામલો કોર્ટમાં છે તેમ કહીં માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

 

 

 

 

દબાણ હટાવ ઝૂંબેશ અંગેની વિગતો આપતાં પાલનપુર નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એરોમા સર્કલ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ સર્કલ આજુબાજુના 20 લારી-ગલ્લા અને કેબિનો હટાવ્યા છે.

 

 

 

 

નગરપાલિકાની ટીમ દ્વારા સતત 15 દિવસ સુધી અહીં દરરોજ ડ્રાઇવ કરાશે અને રસ્તા ખુલ્લા રાખવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અહીં ડામર રોડ બનાવાશે જે બાદ વાહન વ્યવહાર શરૂ થતાં લારી-ગલ્લા ઉભા રહેવાની સ્થિતિ નહીં સર્જાય.

 

 

 

આ અંગે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, ‘દર બે વર્ષે એરોમા સર્કલ પર આ રીતે ટ્રાફીક થાય છે અને થોડા દિવસોમાં બધા લોકો ભૂલી જાય છે. તંત્ર નક્કર દિશામાં કામ કરવા જોઇએ. લાંબાગાળાના આયોજનો પણ કરવા જોઇએ. જેથી ટ્રાફીકમાં લોકોની હેરાનગતિ ઓછી થાય.’

 

 

 

 

પાલનપુર-ડીસા હાઇવે પર એરોમા નજીક સર્વિસ રોડ પર ઘણા લોકો પોતાના ટુ-વ્હીલર પાર્ક કરીને જતાં રહે છે. જેમને પોલીસે શુક્રવારે જવા દીધા હતા. શનિવારે એક પણ વાહન જોવા મળશે તો વાહન ડીટેઇન કરાશે.

 

 

 

 

વેપારી મથક ડીસા સાથે પાલનપુરથી રોજીંદા અપડાઉન કરતાં મુસાફરોની સંખ્યા હજારોમાં છે. તો વળી કેટલાંક લોકો એરોમા આજુબાજુ વાહનો પાર્ક કરીને મુસાફર વાનમાં બેસી ડીસા, થરાદ અને ધાનેરા ફરજ બજાવવા જાય છે. તેઓને હવે લડબી નાળા સુધી ચાલતાં જવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેને લઇ લોકોમાં રોષ ભભૂક્યો છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share