બનાસકાંઠાના ફીલ્મ જગતના અભિનેતાનું 78 વર્ષે નિધન થયું

Share

 

 

ગુજરાતી ફીલ્મોના જાણીતા અભિનેતા અને ફીલ્મ જગતમાં બાબલાભાઇના હુલામણા નામથી જાણીતા ચંદ્રકાન્ત પંડયાનું મુંબઇમાં 78 વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયું છે. ચંદ્રકાન્ત પંડયાએ ગુજરાતી ફીલ્મોના એક યુગને ગજવ્યુ હતું.

 

 

તેઓ 100 થી વધુ ફીલ્મો અને અનેક ટેલીવિઝન સીરીયલોમાં કામ કરી ચૂક્યા હતા. રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણ સીરીયલમાં નિષદરાજના રોલથી પોપ્યુલારીટી મળી હતી. ચંદ્રકાન્ત પંડયા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતા.

 

 

ચંદ્રકાન્ત પંડયાનું ગુજરાતી ફીલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમના કેરીયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી થઇ હતી. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી અને કિરણકુમાર જેવા દિગ્ગજો સાથે તેઓ અનેક સુપરહીટ ફીલ્મો આપી ચૂક્યા છે.

 

 

તેમને સુપ્રસિદ્ધ ફીલ્મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. ગુજરાતી ફીલ્મ જગતમાં 100 થી વધુ ફીલ્મો, ગુજરાતી ટેલીવિઝનની અનેક સામાજીક અને ધાર્મિક સિરીયલોમાં કામ કર્યું છે.

 

 

અભિનેતા ચંદ્રકાન્ત પંડયાનો જન્મ બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે તા. 01/01/1946 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મગનલાલ અને માતાનું નામ લક્ષ્મીબેન પંડયા છે. તેમના પિતા મગનલાલ પંડયા ધંધાર્થે મુંબઇમાં સ્થાયી થયા હતા. ચંદ્રકાન્ત પંડયાને બાળપણથી જ નાટકોમાં રસ હતો.

 

 

બી.એ. સુધી અભ્યાસ કર્યાં બાદ મુંબઇમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઇ હતી. મહીયરની ચુંદડી તેમની શ્રેષ્ઠ ફીલ્મ હતી. ફીલ્મ જગતમાં તેઓ બાબલાભાઇના હુલામણા નામથી પ્રખ્યાત હતા.

 

 

પોતાના મિત્ર લંકેશ (અરવિંદ ત્રિવેદી) ના અવસાનથી તેઓ ખૂબ વ્યથીત થયા હતા. આજે તેમનું 78 વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયું છે. આવતીકાલે મુંબઇના ચંદનવાડી મરીન લાઇનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

 

ચંદ્રકાન્ત પંડયાની પહેલી ફીલ્મ કાદુ મકરાણી હતી. એ બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડયાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો.

 

 

જુવાનીના ઝેર ફીલ્મમાં હીરો તરીકે તો મહીયરની ચૂંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઇની ચૂંદડી અને પાતળી પરમાર સહીત 100 થી વધુ ફીલ્મોમાં તેમણે અભિનયના કામણ પાથર્યાં છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share