અમદાવાદમાં 24 કલાકમાં ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ ખાબકયો : સૌથી વધુ ઓઢવ અને બોપલમાં 2.5 ઇંચ

Share

અમદાવાદમાં સોમવારથી જ મેઘરાજાની ગાજવીજ સાથે પધરામણી થઇ હતી. જ્યારે સોમવારની મોડી રાતથી તો વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઓઢવ અને બોપલ વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ શહેરમાં વરસાદી વાતવરણ જામશે. જેના કારણે મહત્તમ તાપમાન પણ નીચું જવાની શક્યતા છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, શહેરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકતાં 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે સૌથી વધુ ઓઢવ અને બોપલમાં 2.5 ઇંચ વરસાદ પડયો છે. આ સાથે 17 વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડયો છે. આ સાથે શહેરમાં અત્યાર સુધી કુલ 24.21 ઇંચ વરસાદ નોંધાયો છે. વાસણા બેરેજની સપાટી 39.482 મીટર નોંધાઇ છે. વાસણા બેરેજના તમામ દરવાજા હાલ બંધ છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના તમામ અંડરપાસ અવરજવર માટે ચાલુ છે.

[google_ad]

હવામાન વિભાગની આગાહી પર નજર નાંખીએ તો, અમદાવાદ જીલ્લામાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સોમવારે અમદાવાદ શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદમાં વરસાદની આગાહીને પગલે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જઇ શકે છે. આ સાથે રાજ્યમાં પણ આગામી 24 કલાકમાં વરસાદનું જોર યથાવત રહેશે. પંચમહાલ, મહીસાગર, નવસારી, વલસાડના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પણ આગાહીની શક્યતા છે.

[google_ad]

 

શહેરમાં સોમવારની મોડીરાતથી જ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારો જેમકે એસ.જી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલમાં વીજળીના ભયંકર અવાજ સાથે વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ સવાર થતાં જ વરસાદ શાંત પડયો છે.

From – Banaskantha Update


Share