ડીસાના ધનાવાડા ગામના લોકો અને પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેથી નવિન બોર બનાવવા માટે ગ્રામજનોએ આગેવાનો અને સરકારી તંત્રને રજૂઆત કરવા છતા કોઇ ઉકેલ ન આવતાં ગામના રબારી પરમાર પરીવાર દ્વારા રૂપિયા 6 લાખ ઉપરાંતના સ્વખર્ચે નવિન બોર બનાવતાં ગામમાં આનંદની લાગણી ફેલાઇ છે.
ડીસાના ધનાવાડા ગામે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગ્રામજનો અને પશુઓને પીવાના પાણીની મુખ્ય સમસ્યા હતી. ગામના આગેવાનોએ નવિન બોર બનાવવા માટે સરકારી તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ નિકાલ ન આવતાં ગ્રામજનો અને અબોલ પશુઓ પાણી વગર ભારે મુશ્કેલી વેઠતા હતાં.
આથી ધનાવાડા ગામના રબારી સમાજના પરમાર પરીવારના સભ્યોએ યથા શક્તિ ફાળો ઉઘરાવી રબારી વાસ મહાદેવપુરા પાસે આવેલ શિવ મંદિરની બાજુમાં નવિન બોર બનાવવામાં આવ્યો.
આ અંગે ધનાવાડા દુધ મંડળીના મંત્રી વિરાભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, “નવિન બોરમાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં આવતું થતાં ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે. સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે અનેકવાર રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી અમોએ ફાળો એકત્ર કરી નવિન બોર બનાવ્યો છે.”
From – Banaskantha update