પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રહી મજુરી કરતાં રવિભાઇએ જણાવ્યું કે, મારા પિતાજી પ્રેમ પ્રકાશ નનકું પ્રસાદપાલ (ઉ.વ. 53)ને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં ખાનગી એમ્બ્યુલન્સનું રૂ.15000નું ભાડુ ચૂકવી પાલનપુર સિવિલ લઇ આવ્યા છીએ. જોકે, 3 કલાક પછી નંબર આવે તેવી સ્થિતિ છે. આટલું બધુ ભાડું પોષાય તેમ નથી. પરંતુ પૈસા કરતાં મારે પિતાજીનો જીવ વધુ કિંમતી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમને હોસ્પિટલમાં ખસેડવા માટે ઓક્સિજન સાથેની એમ્બલ્યુલન્સની જરૂર પડે છે. જોકે, આવી ગંભીર સ્થિતિમાં ખાનગી એમ્બલ્યુલન્સના સંચાલકો માનવતા બાજુએ મુકી મોં માગ્યું ભાડુ વસુલી રહ્યા હોઇ ગરીબ પરિવારોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.

જ્યાં પાલનપુરમાં દિલ્હીગેટ વિસ્તારના 500 મીટરના અંતરેથી દર્દીને સિવિલ હોસ્પિટલ આગળ લઇ જઇ ત્રણ કલાક વેઇટીંગમાં ઉભા રહેવાનાનું રૂ.15,000 ભાડું લેવાઈ રહ્યું છે. તેમજ પાલનપુરથી અન્ય શહેરોમાં દર્દીને લઇ જવા માટે સામાન્ય દિવસો કરતાં 5 ગણું ભાડું વસુલાઈ રહ્યું છે.

આ અંગે શહેરમાં જુદી – જુદી એમ્બલ્યુલન્સના સંચાલકો સાથે વાત કરતા પૂછવામાં આવ્યું કે, અમારે દર્દીને હોસ્પિટલમાં ખસેડવા છે. તો શું ભાડું લેવામાં આવે છે તેમ પુછતાં સંચાલકોએ જણાવ્યું કે, પાલનપુર દિલ્હીગેટથી 500 મીટરની અંતરે આવેલી સિવિલ હોસ્પિટલ આગળ દર્દીને લઇ જઇ ત્યાં ત્રણ કલાક વેઇટીંગના રૂ.12,000 ભાડું ચાલે છે. આ ઉપરાંત પાલનપુરથી સિદ્ધપુર, મહેસાણાનું ભાડું રૂ.2500થી 3000, અમદાવાદનું ભાડુ રૂ.10,000 ચાલી રહ્યું છે. જો દર્દીને થરાદ લઇ જવું હોય તો રૂ. 2500થી 3000 ભાડું લેવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના 108ના પ્રોગ્રામ મેનેજર કલલેશભાઇ પઢિયારે જણાવ્યું કે, બનાસકાંઠાના 24 લોકેશન ઉપર 108 સેવા કાર્યરત છે. વર્તમાન સમયે કોરોનાના સંક્રમણ વખતે શહેરો ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાંથી કોલ મળી રહ્યા છે. જ્યાં તમામ લોકેશન ઉપર 108 સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ હોસ્પિટલોમાં દર્દીઓનું વેઇટીંગ હોવાથી હોસ્પિટલ બહાર ઘણી વાર 12- 12 કલાક સુધી 108ને ઉભી રાખવી પડી રહી છે.
From – Banaskantha Update