પાલનપુર તાલુકાના નળાસર ગામના રોહિત સમાજના સામાજિક બહિષ્કાર મામલામાં તમામ 14 આરોપીઓને જામીન મળી જતા ગામના 80 પરિવારો શુક્રવારે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. જોકે રજા હોવાથી કલેકટરને ઘરે મળવાની જીદ બાદ પોલીસે કચેરીનો મેન ગેટ બંધ કરી દીધો હતો.
સમાજના આગેવાનોની રજુઆત સાંભળવા પ્રાંત અધિકારી જમીન પર બેસી ગયા હતા. આખરે 4 કલાકના હંગામા બાદ એડવોકેટ સહિત ટોળાની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ ગઇ હતી.
નળાસર ગામમાં દલિતોને ગામમાં અનાજની ઘંટીએ દળવાની મનાઈ, વાહનમાં બેસાડવાની મનાઈ અને ગામમાં કોઈ કામ પર બોલાવવા નહીં સહિતના નિયમો અંતર્ગત બહિષ્કાર કરવા મામલે ગામના 14 લોકો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી.
જો કે એટ્રોસિટી એક્ટની કલમ મુજબ નોંધાયેલી ફરિયાદમાં તાત્કાલિક જામીન મળી જતા આ બાબતે શુક્રવારે પરિવારોએ ફરીથી 80 પરિવારો સમાજના લોકો અને એડવોકેટ કેવલસિહ રાઠોડ સાથે પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા.
રજા હોવાથી ઓફીસ બંધ હોવાથી જિલ્લા કલેકટરના ઘરે પહોંચી આવેદન આપવા માટે જીદ કરતા જ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. દરમિયાન પ્રાંત કલેક્ટર એસ.ડી. ગીલવા અને એએસપી સુશીલ અગ્રવાલ ઘટના સ્થળે આવ્યાં હતાં અને દલિત પરિવારોને સમજાવી આવેદન આપવા જણાવ્યું હતું.

પરંતુ સમાજના આગેવાનોએ તેઓને ન આપી આવેદનપત્ર કલેક્ટરને હાથમાં આપવાની જીદ પર યથાવત રહેતા આખરે પોલીસે 80 પરિવારના પુરુષોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા.
3 કલાક સુધી ચાલેલો હંગામો તે બાદ પણ થમ્યો ન હતો. પુરુષોની અટકાયત બાદ મહિલાઓએ કલેકટર કચેરી છોડી ન હતી અને સાંજ સુધી ત્યાંજ બેસી રહી હતી.
એ. એસ. પી. સુશિલ અગ્રવાલે જણાવ્યું કે નળાસરની ફરિયાદમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે 13 શખ્સો સામે એટ્રોસીટી સહિતનો ગૂનો નોંધાયો છે. જેમાં ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે તેમના મામલતદાર સમક્ષ જામીન લેવાયા છે. અન્ય કલમોમાં કોર્ટના ચૂકાદાઓ મુજબ નોટિસ આપવાની કાર્યવાહી કરાઇ છે.
From – Banaskantha Update