બનાસકાંઠાનું વેપારી મથક અને ગુજરાતની બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસાના વ્યાપારી અને ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ કરતા હાલત કફોડી બની જવા પામી છે. ડીસા પંથકમાં બટાટાની ખોદણી સમયે ભાવો ન હોવાથી કોલ્ડ સ્ટોરેજમાં સારા ભાવ મળશે તેવી આશા સાથે બટાટાનો સંગ્રહ કર્યો હતો પરંતુ 3 મહિના વિતવા છતા બટાટાના ભાવમાં કોઈ સુધારો ન થતા વ્યાપારી અને ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે.
કોરોનાની મહામારી અને ત્યારબાદ મોટા શહેરોમાં લોકડાઉનને લઇ માર્કેટયાર્ડ પણ બંધ રહેતા છેલ્લા ત્રણ માસથી બટાકાની નિકાસ પણ ઠપ્પ થઇ ગઇ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બટાકાની નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તોજ વેપારીઓ અને ખેડૂતો પાયમાલ થતા બચી શકશે. દરમિયાન માર્કેટયાર્ડોમાં બટાકાની માંગ ઓછી હોવાથી કોલ્ડ સ્ટોરેજ પર બટાકા ખરીદવા વેપારીઓ પણ આવતા નથી.
ખેતરોમાં નીકળતા બટાકાના ભાવ ઓછા હોવાથી કોલ્ડ સ્ટોરેજમાં સારા ભાવ મળવાની આશા સાથે ખેડૂતો અને વેપારીઓ સંગ્રહ કર્યો હતો પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાના ભાવ ન મળતાં ખેડૂતો અને વેપારીઓને આશા પર પાણી ફરી વળ્યું છે.
કોરોનાની મહામારી લોકડાઉન અને મોંઘવારીના માર વચ્ચે આ વર્ષ દર વર્ષ કરતાં વધુ બટાટાનો જથ્થો હોવાનુ ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એશોશિયનની વિગતો પરથી જાણવાં મળી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાનામાં આવેલ 200 ઉપર કોલ્ડ સ્ટોરેજમાં 3 કરોડ 11 લાખ બોરી બટાટાનો સંગ્રહ થયાનો અંદાજ રહેલો છે. જેમાં 2.30 કરોડ બોરી ખાવાના બટાટા ઉપરાંત 23 લાખ 75 હજાર બિયારણના બટાટા જયારે 58 લાખ 60 હજાર વેફર વેરાયટીના બટાટા હોવાનો અંદાજ છે.
From – Banaskantha Update