પિસ્તોલ સહીત કુલ રૂ. 3,27,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો
અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ગાડીમાં તપાસ કરતાં પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.
જ્યારે 3 શખ્સો પોલીસના સકંજામાંથી ગાડી લઇને ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે પીછો કર્યો હતો. તે દરમિયાન આ 3 શખ્સો કાર મૂકીને અંધારાનો ફાયદો ઉઠાવી ફરાર થઇ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના અમીરગઢમાં આવેલા ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ રાબેતા મુજબ રૂટીન વાહન ચેકીંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન રાજસ્થાન તરફથી મહારાષ્ટ્ર પાર્સિંગની કાર આવતા તેમાં 4 શખ્સો સવાર હોઇ પોલીસને શકમંદ લાગતાં તેઓને રોક્યા હતા.
જોકે, એક શખ્સ કારમાંથી નીચે ઉતર્યો હતો. જ્યારે અન્ય 3 શખ્સો કારને પૂરઝડપે ભગાડી ભાગી ગયા હતા. જોકે, પોલીસે કારનો પીછો કર્યો હતો.
આ દરમિયાન કરતાં ચેકપોસ્ટથી દસેક કિલોમીટર પાલનપુર તરફ ઢોલીયા ગામની સીમમાંથી કારને પોલીસે ઝડપી પાડી હતી.
જોકે, પોલીસને જોઇ કારમાં સવાર 3 શખ્સો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. પોલીસે કારની તપાસ કરતાં તેમાં પિસ્તોલ અને મેગેઝીન સહીત 9 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
અમીરગઢ પોલીસે કારને પોલીસ સ્ટેશનમાં લઇ જઇ ઝડપાયેલ શખ્સ અજીત દીનદયાળ પાંડે (રહે. પિંદરા, વારાણસી) વાળા અને ભાગી ગયેલ દીપક ઉર્ફે દીપો (રહે. બેંગલોર), જાવેદ શેખ (રહે. હૈદરાબાદ) અને
કિશન થાપા (રહે. નેપાળી) વાળા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે પિસ્તોલ સહીત કુલ રૂ. 3,27,800 નો મુદ્દામાલ જપ્ત લઇ શખ્સો ઉપર આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update