રાજ્યમાં ઓમિક્રોનના નવા વેરીયન્ટની દસ્તક સામે જીલ્લામાં 800 ના સેમ્પલ વધારીને 2,000 લેવાની શરૂઆત કરાઇ : ભાભર,અંબાજી, ડીસા અને થરાદની સિવિલ હોસ્પિટલમાં લેબ,16 ઓક્સિજન પ્લાન્ટ, 1,000 બેડ ઓક્સિજન પાઇપલાઇનથી કનેક્ટ
રાજ્યમાં ઓમિક્રોનના નવા વેરીયન્ટની દસ્તક સાથે આરોગ્ય વિભાગ ફરી સક્રીય થયો છે. જીલ્લામાં 17 દિવસ પછી કોરોનાનો એક કેસ નોંધાયો હતો.
ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કર્યો છે. બીજી બાજુ, એવી ચોંકાવનારી બાબત તો એ છે કે, બનાસકાંઠામાં 56 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો નથી.

ધાનેરામાં માત્ર 33 અને અમીરગઢ થરાદમાં માત્ર 38 ટકા લોકો એજ પ્રિકોશન ડોઝ લીધા છે. ગઇકાલ સુધી જીલ્લાની તમામ પી.એસ.સી., સી.એસ.સી. સહીત સિવિલ હોસ્પિટલોમાં બીમાર દર્દીઓના મળીને 800 ની આજુબાજુ સેમ્પલ લેવાતા હતા.
જે બુધવારથી વધારીને 2,000 લેવાની શરૂઆત કરાઇ છે. જે હવે ભાભર, અંબાજી, ડીસા અને થરાદની સિવિલ હોસ્પિટલની લેબમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવી રહ્યા છે.
જીલ્લામાં 16 ઓક્સિજન પ્લાન્ટ, 1,000 બેડ ઓક્સિજન પાઇપલાઇનથી કનેક્ટ કરાઇ હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. રાહતની બાબત તો એ કહી શકાય કે, વેક્સિનના 2 ડોઝ 100 ટકાએ લીધા છે.
જીલ્લામાં બેડની દવાઓની ઓક્સિજનની શું સ્થિતિ છે તેને લઇ જીલ્લાકક્ષાએ રીપોર્ટ મંગાવ્યા છે. જીલ્લાની સ્થિતિ ગત વર્ષની સરખામણીએ વધુ બહેતર બની છે.
તમામ 26 સામૂહીક આરોગ્ય કેન્દ્રના તમામ બેડ ઓક્સિજન પાઇપલાઇનથી કનેક્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાંય સમયથી શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ મર્યાદીત લેવાઇ રહ્યા હતા જેની સંખ્યા ડબલ કરતાં વધારીને 2,000 કરાઇ છે.
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં તમામ તાલુકાઓમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ હાલતમાં છે. તમામ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે.
જીલ્લામાં પૂરતું વેક્સિનેશન થયું છે એટલે ચિંતાની કોઇ બાબત નથી. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જીલ્લામાં બંને ડોઝ મોટાભાગના તમામ જગ્યાએ અપાઇ ચૂક્યા છે પરંતુ લાપરવાહી પ્રિકોશન ડોઝમાં સામે આવી છે.
રાજ્યકક્ષાએ સબમિટ થયેલા ડેટા જોઇએ તો બનાસકાંઠામાં સૌથી ઓછું પ્રિકોશન ડોઝ ધાનેરા તાલુકામાં 32.80 ટકા લોકોએ જ લીધો છે. જે બાદ અમીરગઢમાં 37.71 ટકા અને થરાદમાં 37.78 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે. જ્યારે દાંતીવાડામાં 41.80 ટકા લોકોએ લીધા છે.
બનાસકાંઠા જીલ્લાના 14 તાલુકામાં 24,28,636 પૈકી 11,40,605 લોકો એટલે કે 46.96 ટકાએ પ્રિકોશન ડોઝ લીધો છે. જેમાં અમીરગઢ 37.71 ટકા, ભાભર 67.52 ટકા, દાંતા 49.64 ટકા, દાંતીવાડા 41.80 ટકા,
ડીસા 44.50 ટકા, દિયોદર 48.37 ટકા, ધાનેરા 32.80 ટકા, કાંકરેજ 53.99 ટકા લાખણી 49.85 ટકા, પાલનપુર 44.57 ટકા, સૂઇગામ 65.26 ટકા, થરાદ 37.78 ટકા, વડગામ 52.80 ટકા અને વાવ 53.92 ટકા, સરેરાશ 46.96 ટકાનો સમાવેશ થાય છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલ 540 બેડ પૈકી 450 બેડ ઓક્સિજન ટેન્કથી કનેક્ટ છે. 50 વેન્ટિલેટર બેડ પૈકી 25 વેન્ટિલેટર છે. 4 ઓક્સિજન પ્લાન્ટ પૈકી 2 ચાલુ હાલતમાં છે. જ્યારે 150 નર્સિંગ સ્ટાફ હાલમાં ફરજ ઉપર તૈનાત છે.
આ અંગે સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતું કે, ‘આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા બનાસ કોવિડ હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે. 10 ટનની ઓક્સિજન ટેન્ક સહીતના તમામ સંશાધનો ઉપરાંત આવનાર 2 માસમાં 740 ઓક્સિજન બેડ કરવાની ક્ષમતા ધરાવતું હોસ્પિટલ બની જશે.’
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લે તા. 2 નવેમ્બરના દિવસે એક પોઝીટીવ કેસ નોંધાયો હતો. ફરીથી મંગળવારે 17 દિવસ પછી દાંતીવાડામાં એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે.
ત્યારબાદ બુધવારે ડીસામાં બુધવારે ડીસામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો હતો. આ સાથે જ જીલ્લામાં એક્ટિવ કેસ હવે 2 થયા છે.
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘આર.ટી.પી.સી.આર.ના 1275 અને એન્ટીજનના 614 મળી કુલ 1889 સેમ્પલ લેવાયા હતા. જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.’
From-Banaskantha update