ડીસા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બનાવટી ઘી મામલે તપાસ હાથ ધરી બનાવટી ઘીની એક ફેક્ટરી ઝડપી લઇ મોટી માત્રામાં શંકાસ્પદ તેલનો જથ્થો તેમજ પેકેજીંગ મટીરીયલ સીજ કર્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલાયા હતા.
બનાસકાંઠાનું ડીસા એ સમગ્ર રાજ્યમાં ડુપ્લિકેટિંગના નામે કુખ્યાત બન્યું છે. જેમાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની અનેક ખાદ્યચીજોની બનાવટ અને ભેળસેળની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. અવારનવાર આવો શંકાસ્પદ ઘી-તેલનો જત્થો ઝડપાયો હોવા છતાં આજદિન સુધી આવી ભેળસેળની પ્રવૃત્તિ કરતા તત્વોને ડામવા ફૂડ વિભાગ નિષ્ફળ રહ્યું છે.
ત્યારે આજે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી ઘી બનાવતી ફેક્ટરીમાં ઓચિંતી તપાસ હાથ ધરતા ફેક્ટરીમાં હાસ્ય બ્રાન્ડ નામથી ગાયનું ઘી બનાવવામાં આવતું હતું. જોકે, ઘી બનાવવામાં શંકાસ્પદ તેલનો ઉપયોગ કરી અંદર પ્રિઝર્વેટીવ તેમજ કેમિકલ નાખી ઘી બનાવવામાં આવતું હોવાનું જણાતા વિભાગ દ્વારા મોટી માત્રામાં તેલનો જથ્થો તેમજ પેકેજીંગ મટીરીયલનો મોટો જથ્થો સીજ કરાયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ ડીસા જીઆઇડીસીમાં બનાવટી ઘી બનાવતું હોવાની બાતમી મળી હતી જેમાં તપાસ કરતા હાસ્ય બ્રાન્ડ નામના શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તમામના સેમ્પલ લેવાયા છે.
ડીસામાં ડુપ્લીકેટ ઘી બનવું એ નવાઈની વાત નથી. વેપારીઓ પૂજન ઘીના નામે પણ બનાવટી ઘી તેમજ બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ઘી બનાવી બેરોકટોક રીતે માર્કેટમાં વેચી રહ્યા છે. અગાઉ અનેક વખત ફુડ વિભાગ દ્વારા રેડ કરી સેમ્પલ લેવાયા છે. પરંતુ આજ સુધી કોઈ વેપારીને સજા થઈ નથી તે બાબત શંકાસ્પદ છે. ત્યારે આ વખતે પણ ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ બાદ આવા તત્વો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.
From – Banaskantha Update