ડીસાના વેપારીનું પાર્સલ ખોવાઇ જતાં એસ.ટી. વિભાગને વળતર ચૂકવવા આદેશ

- Advertisement -
Share

એસ.ટી.બસની પાર્સલ સેવાને ગ્રાહક અદાલતે રૂ. 5,000 નો દંડ ફટકાર્યો : ગ્રાહકને પાર્સલની કિમત વ્યાજ સહીત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ

 

કુરિયર કંપનીઓ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ જ્યારે પાર્સલ બુક કરે છે. ત્યારે તેની પાવતીમાં પાર્સલની રીસ્ક વેલ્યૂ મનસ્વી રીતે રૂ. 100 કે રૂ. 500 લખતી હોય છે.

 

અને જ્યારે ગ્રાહકનું કિમતી પાર્સલ ખોવાઇ જાય ત્યારે ગ્રાહકને પાવતી ઉપર રીસ્ક વેલ્યૂ બતાડી ગ્રાહકને રવાડે ચડાવતી હોય છે.
આવી જ રીતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપનીને (જી.એસ.આર.ટી.સી.) સહીત આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ કંપનીને બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલતે ગ્રાહકને ખોવાઇ ગયેલ પાર્સલની કિમત ચૂકવવા ઉપરાંત રૂ. 5,000 નો દંડ ફટકાર્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં હિંગળાજ જનરલ સ્ટોરના પ્રોપરાઇટર હર્ષદકુમાર ડાહ્યાલાલ ઠક્કરે સુરેન્દ્રનગર ખાતેથી પાર્સલ મંગાવ્યું હતું.
જે પાર્સલ સુરેન્દ્રનગરથી ગુજરાત એસ.ટી. દ્વારા મોકલવામાં આવતાં અને પાર્સલ રસ્તા વચ્ચે જ બસના કંડક્ટરથી ખોવાઇ જતાં ગ્રાહકને પાર્સલ મળ્યું ન હતું.

 

એસ.ટી. ની પાર્સલ ઓફીસે ઘણાં ધક્કા ખાધા બાદ પણ પાર્સલ ન મળતાં અને જવાબદાર અધિકારીઓએ ગ્રાહકને પાવતી બતાડી પાવતીમાં લખેલ રીસ્ક વેલ્યૂના માત્ર રૂ. 500 ચૂકવવાની તૈયારી બતાવી હતી.

 

રૂ. 27,140 ની કિમતના પાર્સલની સામે માત્ર રૂ. 500 ગ્રાહકને મળવાના છે તે જાણતા ગ્રાહકને આશ્ચર્ય થયેલ અને ગ્રાહક હર્ષદભાઇએ ગુજરાતની જાણીતી ગ્રાહક હીત હક્ક રક્ષક સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક
સુરક્ષા મંડળની રીસાલા બજારમાં આવેલ કચેરીએ જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેને રૂબરૂ મળી પોતાની આપવીતી બતાવી લેખિત ફરિયાદ આપી હતી.

 

જે ફરિયાદના અનુસંધાને નોટીસ વિગેરેની કાર્યવાહી કર્યાં બાદ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ નં. 178/2018 થી (1) મેનેજર

 

આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, એસ. ટી. પાર્સલ ઓફીસ-અમદાવાદ, (2) મેનેજર આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, એસ. ટી. પાર્સલ ઓફીસ-સુરેન્દ્રનગર (3) મેનેજર આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, એસ. ટી.

 

પાર્સલ ઓફીસ-ડીસા અને જનરલ મેનેજર, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, સેંટરલ ઓફીસ અમદાવાદને પક્ષકાર બનાવી ફરિયાદ દાખલ કરી હતી.

 

જે ફરિયાદના કામે બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી.પંચાલ, સભ્ય એમ.એ. સૈયદ અને બી.જે. આચાર્યે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માને દલીલોને માન્ય રાખી ઠરાવેલ
છે કે, ફરિયાદીએ તેમની સ્વરોજગારી માટે તેમના જનરલ સ્ટોર માટે માલ-સામાન મંગાવી સામાવાળા પાસેથી સેવા મેળવેલ હોઇ ફરિયાદી સામાવાળાના ગ્રાહક છે અને બસના કંડકટરે પાર્સલ ખોઇ નાખેલ છે અને તે સ્પષ્ટપણે સામાવાળાની સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિ છે.

 

આ ઉપરાંત સામાવાળા દ્વારા પાવતીમાં પાર્સલની રીસ્ક વેલ્યૂ રૂ. 500 લખેલ હોવાના સંદર્ભે ગ્રાહક અદાલતે ઠરાવ્યું છે કે, સામાવાળાનો બચાવ કે તેઓએ માત્ર રૂ. 500 નું મૂલ્યનું પાર્સલ બુકીંગ થયેલ તે માનવાપાત્ર જણાતું નથી.
અને ફરિયાદી નું રૂ. 27,140 ના મૂલ્યનું પાર્સલ ફરિયાદીને ન પહોંચાડી સામાવાળા તરફે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકસ્ટિસ આચરેલ હોવાનું જણાઇ આવે છે.

 

આમ જી.એસ.આર.ટી.સી. સહીત ટ્રાન્સપોર્ટ કંપનીને સેવામાં ખામી ઠેરવી બનાસકાંઠા જીલા ગ્રાહક અદાલતે એસ. ટી. નિગમને ગ્રાહકના પાર્સલ ની કિમત રૂ. 27,140 ફરિયાદ તારીખથી 9% વ્યાજ સહીત
કુલ રૂ. 36,299 અને ફરિયાદ ખર્ચના રૂ. 1,500 અને માનસિક ત્રાસના રૂ. 1,000 મળી રૂ. 2500 આમ કુલ રૂ. 38,799 ચૂકવવા હુકમ ફરમાવેલ છે.

 

આ ઉપરાંત (1) મેનેજર આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, એસ. ટી. પાર્સલ ઓફીસ-અમદાવાદ (2) મેનેજર આશાપુરા ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, એસ. ટી. પાર્સલ ઓફીસ-સુરેન્દ્રનગર (3) મેનેજર આશાપુરા ટ્રેડ એન્ડ
ટ્રાન્સપોર્ટ, એસ. ટી. પાર્સલ ઓફીસ-ડીસા અને (4) જનરલ મેનેજર, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, સેંટરલ ઓફીસ-અમદાવાદને આચરેલ સેવામાં ખામી બદલ દંડ સ્વરૂપે રૂ. 1250 પ્રત્યેકના મળી કુલ રૂ. 5,000 રાજ્ય ગ્રાહક કલ્યાણ નિધિમાં જમા કરાવવા આદેશ ફરમાવેલ છે.

 

બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલતનો આ ચૂકાદો સીમાચિહ્ન બની રહેશે અને સેવામાં ખામી રાખનારાઓ માટે ચેતવણી સમાન બની રહેશે.

 

બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલતના આ ચૂકાદાથી ફરિયાદી ગ્રાહકમાં ખુશીની લહેર પ્રસરી હતી અને ગ્રાહકોની ન્યાયાલય માટેની શ્રદ્ધામાં આવા ચૂકાદાથી ચોક્કસ વધારો થશે.
જ્યારે ગ્રાહકોના હીત અને હક્કો માટે સદેવ ગ્રાહકોની પડખે ઉભી રહેનાર ગ્રાહક સુરક્ષા સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળવા પામ્યો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!