ધાનેરાના ગોલામાં એક પીડીત પરિવાર પાસેથી દુખ દૂર કરવાના બહાને રૂ. 35,00,000 પડાવ્યા હતા : 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહી વિશ્વાસ કેળવ્યો
ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના 2 ભાઇઓને બાધા આપી દુઃખો દૂર કરવાની લાલચ આપી રૂ. 35,00,000 અને ચાંદીની પાટો પાડી લીધાનો કિસ્સો બહાર આવતાં
અર્બુદા સેના અને અન્ય આગેવાનો દ્વારા આ મામલે એકત્ર થતાં આ તમામ રકમ એક આગેવાન દ્વારા પરત કરાવવામાં આવી છે. શંકર ભૂવાએ વિડીયો જાહેર કરીને કહ્યું ‘મારા થકી દુઃખ લાગ્યું હોય તો અઢારે આલમની હું માફી માગું છું’
ગોલા ગામમાં ભૂવાઓએ દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે તેમ કહી રૂ. 35,00,000 અને રૂ. 1,70,000 ની ચાંદીની પાટો પણ આપી હતી.
બાદમાં પોલીસ મથકે અરજી આપતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે ઘટનાના સમગ્ર જીલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અર્બુદા સેના અને સમાજના અગ્રણીઓ તેમજ જીવાણા મઠના સંત રતનગીરીજી મહારાજ આ પરિવારના ઘરે પહોંચ્યા હતા અને તેને હૈયા ધારણા આપી હતી.
ધાનેરાના એક રાજકીય અગ્રણીને સાથે રાખી સમાધાન કરવા માટે પહોંચ્યા હતા અને બુધવારે રાત્રે સમાજના આગેવાનોની વચમાં બેસી તમામ રકમ અને દાગીના પરત આપવામાં આવ્યા હતા અને તેની તસવીર પણ લેવાઇ હતી.
આ અંગે સંત રતનગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, ‘તાલુકામાં કેટલાંય પાખંડી ભૂવાઓ છે. માટે આવા ભૂવાઓથી સાવધાન રહેવાની જરુર છે. કોઇપણ સાચા સંત કે સાચા ભૂવા ક્યારેય કોઇ પાસે રુપિયા માંગતા નથી. તમામ સમાજે સાવધાન રહેવાની જરુર છે.’
આ અંગે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, ‘ખોટા ધતંગ કરતાં ભૂવાઓની વાતોમાં આવવું નહી અને જો આવા કોઇ હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરવો.’
આ અંગે અગ્રણી અર્બુદા સેનાના અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ધાનેરા તાલુકામાં જે કોઇ લોકોને આવા ભૂવાઓએ લૂટ્યા હોય તેમની સામે પોલીસ મથકે અથવા વિજ્ઞાન જાથાને જાણ કરવી જોઇએ અને આવા પાખંડી લોકોથી પોતે પણ બચીએ અને બીજા લોકોને પણ બચાવીએ.’
અક્ષરસહ: ‘હું શંકર ભૂવાજી ગોલા ગામના રમેશભાઇ પટેલ એમને ત્યાં મારી માતાજીનું શ્રીફળ નહોતું થતું કે પટેલે મને આપી દીધું. એમના થકી માતાજીને પ્રાર્થના. એમના ઘરે સુખ શાંતિ રહે. મારા થકી દુઃખ લાગ્યું હોય તો અઢારે આલમની હું માફી ચાહું છું. જય માતાજી.’
આ અંગે ધાનેરા પી.આઇ. એ.ટી.પટેલે જણાવ્યું હતું કે, ‘ધાનેરાના ગોલા ગામે જે ઘટના બની છે તે બાબતે અરજી પાછી ખેંચવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા આવા લોકોની તપાસ ચાલુ છે અને આ ભૂવાઓએ બીજા લોકોને પણ કેટલા લૂટ્યા છે તે પણ પૂછપરછ કરવામાં આવશે.
માટે અરજી પાછી ખેંચવાથી પોલીસની તપાસ બંધ થતી નથી. જયારે બીજા પણ કોઇ ભૂવાઓએ લોકો પાસેથી રુપિયા પડાવ્યા હોત તો તે ધાનેરા પોલીસ સ્ટેશનમાં 02748-222222 ઉપર સંપર્ક કરી શકે છે.’
આ અંગે પીડીત પરિવારના મામા મફાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘મારા ભાણેજના ઘરે આ ભૂવાઓએ પાટ કરીને દુ:ખ દૂર કરવા માટેના રૂ. 35,00,000 રોકડ અને દાગીના લીધા હતા તે બુધવારે રાત્રે પરત આપ્યા છે.
અને ભૂવાના સબંધીઓ આવતાં આ મામલે ફરિયાદ ન કરવાનું જણાવતાં અમે આપેલી અરજી પાછી ખેંચી છે. આ પરિવારે આ રુપિયા તેમના સગા-સબંધીઓ પાસેથી અંગત જરુર માટે કહીને લાવ્યા હતા. બીજા કોઇ લોકો આવા ખોટા ભૂવાઓના ચૂંગાલમાં ન આવે તેવી અમારા પરિવારની વિનંતી છે.’
From-Banaskantha update