ડીસાના રસાણા મોટા ગામે એક પરણીતાને શારીરિક, માનસિક ત્રાસ આપી 1 લાખ રૂપિયાના દહેજની માંગ કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પીડિત પરિણીતાએ તેના પતિ અને સાસુ સસરા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભાખર ગામની એક 21 વર્ષીય યુવતીએ 2 વર્ષ અગાઉ રસાણા ગામના સુનિલજી ઠાકોર સાથે સમાજના રીતરિવાજો મુજબ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન બાદ તુરંત જ તેના પતિએ યુવતી પર શક-વહેમ રાખી શારીરિક, માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
તેના સાસુ-સસરાની ચડામણીથી તેનો પતિ અવારનવાર યુવતી સાથે મારઝૂડ કરતો હતો. બાદમાં આ યુવતીને પિતાના ઘરેથી એક લાખ રૂપિયા લઈ આવવાનું કહી તેને માર મારી રાત્રિના સમયે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી યુવતીએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતાં તેના પરિવારજનો આવી યુવતીને ઘરે લઇ ગયા હતા.
લગ્ન પછી તરત જ યુવતીના પતિ અને સાસુ સસરા તેને અવારનવાર હેરાન કરી શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. તેથી પીડિત યુવતી તેના પરિવાર સાથે પોલીસ મથકે પહોંચી હતી અને તેના પતિ સુનિલજી ઠાકોર, સાસુ અને સસરા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update