સમયસર મકાનનું બાંધકામ પૂરું ન કરી આપનાર કોન્ટ્રાક્ટરને ગ્રાહક અદાલતની લપડાક…

- Advertisement -
Share

માનસિક ત્રાસ બદલ રૂપિયા 1,00,000/- ચૂકવી આપવા અને ત્રણ માસમાં બાકી રહેલ મકાનનું બાંધકામ પૂર્ણ કરવા હુકમ

ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક ગ્રાહક સુરક્ષા સંસ્થાના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો છે. બિલ્ડરના મનસ્વીપણાની હાર થઈ છે અને ગ્રાહક અદાલત દ્વારા ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપતાં ગ્રાહક વર્ગ આ ચુકાદાથી લાભાન્વિત થશે.

હરેક વ્યક્તિ પોતાના મનમાં પોતાના ઘરનાં ઘરનું સ્વપ્ન સંજોવે છે અને તે માટે આખી જિંદગી મહેનત કરીને પાઇ-પાઇ બચાવીને જ્યારે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો વારો આવે અને એવા સમયે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવાનું માધ્યમ જ દગો કરે કે નાણાં લીધા પછી પણ કામ ન કરે તો એ વ્યક્તિ ઉપર શું વીતે છે એની કલ્પના કરીએ તો પણ હૃદય ધ્રુજી જાય. અને સ્વપ્ન જોનાર વ્યક્તિ ક્યાં જાય? શું કરે ? કોની પાસે ન્યાય માંગે ? એ પ્રશ્ન તેના મગજમાં ચાલતો જ રહે… અને આવા જ પ્રશ્નો સાથે પાલનપુર તાલુકાના ગાદલવાળા ગામે રહેતા રૂપલબેન જગદીશભાઈ પઢીયાર અને તેમના પિતા સોમાલાલ કેશવલાલ મકવાણા ગુજરાતની જાણીતી ગ્રાહક સુરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીએ આવી પહોંચ્યા હતા.
ફરિયાદની વિગતો મુજબ ગ્રાહક રૂપલબેન અને સોમાલાલને પાલનપુર તાલુકાના ગાદલવાળા ગામે મકાન બનાવવાનું હોઈ ગ્રાહકે પાલનપુર ખાતે મકાન બનાવી આપનાર કોન્ટ્રાક્ટર સુનીલ આર. ગોહિલ, સાગર આર.ગોહિલ અને રામકિરણજી ગોહિલનો સંપર્ક કરી તેમની સાથે ભાવ નક્કી કરી 630 ફૂટના મકાન બાંધકામ માટે 850 રૂપિયા પ્રતિ ચોરસફૂટના ભાવ નક્કી કરી મકાન બનાવી આપવા માટે કરાર લેખ કરેલો અને એ કરાર લેખ મુજબ કરારમાં જણાવેલી શરતોને આધીન રહી ત્રણ માસમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું,
પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ગ્રાહક પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેટલી મોટી રકમ લીધા બાદ પણ કામ પૂરું કરી આપેલ નહીં અને ફરિયાદી ગ્રાહકોની વારંવાર વિનંતી હોવા છતાં તેઓ બાકીનું કામ પૂરું કરી આપતા ન હતા અને તેથી ગ્રાહક રૂપલબેન અને સોમાલાલ ભાઈએ ગુજરાતની નામાંકિત ગ્રાહક સુરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવેનો રૂબરૂ સંપર્ક કરી લેખિત ફરિયાદ આપેલ હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ કિશોર દવેએ નોટીસ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં ગ્રાહક ફરિયાદ નંબર 39/2019થી ફરિયાદ દાખલ કરેલ હતી.
જે ફરિયાદના ચાલુ કામે પણ બિલ્ડર કોન્ટ્રાક્ટર ગ્રાહકનો જ વાંક કાઢતાં હોઇ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ.બી પંચાલ અને સભ્ય એમ.એસ. સૈયદ તેમજ બી.જે. આચાર્યની જ્યુરીએ કોર્ટ કમિશ્નરની નિમણૂક કરી અને સ્થળ સ્થિતિ અંગે રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો અને ત્યારબાદ કોર્ટ કમિશનરના અહેવાલ મુજબ બિલ્ડર કોન્ટ્રાક્ટરે કરારમાં નિર્ધારિત થયેલ શરતો મુજબ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલ ન હતું તેવું સ્પષ્ટ થતાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી.પંચાલ અને સભ્ય એમ.એસ સૈયદની જ્યુરીએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર રજૂઆતોને ધ્યાને લઈ ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
ગ્રાહક અદાલતે આપેલ ચુકાદા મુજબ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ત્રણ માસમાં બાકી રહેલ મકાનનું કામકાજ પૂર્ણ કરવાનું રહેશે તેમજ બિલ્ડરે મકાનનું બાંધકામ પૂર્ણ ન કરી સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિનું આચરણ કરેલ હોઈ ગ્રાહકને થયેલ માનસિક ત્રાસ પેટે Rs. 1,00,000/- (એક લાખ) અને ફરિયાદ ખર્ચના રૂપિયા 10,000/- (દસ હજાર) દિન 30 માં ચૂકવી આપવાનું ઠરાવેલ છે.
આ પ્રકારે માનસિક ત્રાસની આવડી મોટી રકમનો ચુકાદો બનાસકાંઠાના ઈતિહાસમાં પહેલીવાર છે અને કદાચ ગુજરાતમાં કોઈ જિલ્લા ગ્રાહક અદાલતે આવો ચુકાદો આ પહેલાં આપેલ નથી તેથી આ ઐતિહાસિક ચુકાદો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!