એલ.જે યુનિવર્સિટીના એન્ટ્રાપ્રેન્યોર, ધ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા યોજવામાં આવ્યો ‘ઈન્ડિયા: અ સ્ટાર્ટઅપ નેશન’ કાર્યક્રમ, ઈન્ફોસિસના પૂર્વ ડિરેક્ટર ટી.વી મોહનદાસ પાઇ રહ્યા હાજર
અમદાવાદ: ભારતમાં સ્ટાર્ટઅપ્સને ઘણું મહત્ત્વ મળી રહ્યું છે અને ઝડપથી વિકસી પણ રહ્યા છે. આ સ્ટાર્ટઅપ્સ આપણા દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ અર્થવ્યવસ્થા બનાવે છે. ત્યારે આ માટે ચર્ચા કરવા અને સ્ટાર્ટઅપ્સ માટેનો રોડમેપ તૈયાર કરવા અમદાવાદની એલ.જે યુનિવર્સિટી સંચાલિત એન્ટ્રાપ્રેન્યોર ધ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા ‘ઈન્ડિયા: અ સ્ટાર્ટઅપ નેશન’ નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ 29મી ડિસેમ્બરે યોજાયો હતો.
ઈન્ફોસીસના પૂર્વ ડિરેક્ટર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટી.વી મોહનદાસ પાઈ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હાલમાં તેઓ મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન છે. યુવા અનસ્ટોપેબલના સ્થાપક અમિતાભ શાહે તેમનો પરિચય કરાવ્યો હતો અને સાથે જ પ્રેક્ષકોને પાઈની અતુલ્ય યાત્રા વિશે માહિતી પણ આપી.
પાઇએ ભારતીય સ્ટાર્ટઅપને મળી રહેલા સપોર્ટ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમના મતે, ભારતીય સ્ટાર્ટઅપ્સ સ્કેલેબલ અને નફાકારક બંને છે તેની ખાતરી કરવા માટે ટેક્નોલોજી પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતીયો ટેકનોલોજી અને મેનેજમેન્ટ સ્ટાર્ટઅપ બંનેમાં શ્રેષ્ઠ છે. ભારત ઘણા દેશોમાં ટેકનોલોજી સેવાઓ આપી રહ્યું છે અને યુએસમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપદ્વારા ભારતીય મૂળના કર્મચારીઓને પણ પસંદ કરવામાં આવે છે. તેથી, આ જબરદસ્ત સંયોજન ભારતીય સ્ટાર્ટઅપ્સની તરફેણમાં પણ કામ કરી શકે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારતીયોમાં પશ્ચિમના યુનિકોર્નસ્ટાર્ટઅપની જેમ શક્તિશાળી અને લોકપ્રિય બનવાની ક્ષમતા છે.
આ પ્રેરણાદાયી સેશનમાં ઘણા રોકાણકારો, સ્ટાર્ટઅપ સ્થાપકો તેમજ ટીનપ્રેન્યોર્સે હાજરી આપી હતી. એલ.જે. યુનિવર્સિટીના એન્ટ્રાપ્રેન્યોર સીઇઓ વિરલ શાહ દ્વારા પ્રશ્ર્નોત્તર સત્રનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. તેમણે ઉભરતા અને અનુભવી આંત્રપ્રિન્યોર પ્રેક્ષકોને પ્રોત્સાહિત કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, “સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો-ઇન્ક્યુબેશન, કો-ઇન્વેસ્ટમેન્ટ્સ અને કો-ઓપરેશન સાથે ઊભરી આવે છે.” તેમના પ્રેરણાદાયી શબ્દો શ્રોતાઓમાં ગુંજી ઉઠ્યા હતા. આ સેશનમાં એવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે “બિઝનેસનું હબ બનેલા અમદાવાદમાં અત્યાર સુધી કેમ કોઈ યુનિકોર્ન સ્ટાર્ટઅપબન્યા નથી.”
પાઈ અને અમિતાભ શાહ બંનેએ અમદાવાદ અને ભારતની અર્થવ્યવસ્થાનો વધુ ઝડપથી વિકાસ કરવામાંસ્ટાર્ટઅપ કેવી રીતે મદદ કરી શકે તેમજ ભારતમાં સ્ટાર્ટઅપ શિક્ષણ અને આરોગ્યના ધોરણોને ઉત્થાન આપવામાં પણ ભૂમિકા ભજવી શકે તે અંગે ચર્ચાઓ કરી હતી.
આ રસપ્રદ સેશનથી પ્રેક્ષકોમાં રહેલા યુવા સાહસિકોને અથાગ મહેનત કરવા અને અમદાવાદને દિલ્હી અને બેંગલુરુની જેમ જ સ્ટાર્ટઅપ હબ બનાવવાની પ્રેરણા મળી હતી, કારણ કે અમદાવાદ શહેર અને ગુજરાતીઓમાં ઉચ્ચ ક્ષમતા છે અને તેઓ આ લક્ષ્ય હાંસલ કરી શકે છે.