દુકાનનું શટર તોડે તે પૂર્વે હોમગાર્ડ કર્મી પહોંચી જતાં તસ્કરો નાસી છૂટ્યા
થરાદની મુખ્ય બજારમાં બુધવારની રાત્રે તસ્કર ટોળકી દ્વારા વધુ એક જવેલર્સની દુકાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, એક હોમગાર્ડ કર્મી આવી જતાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પોલીસે દુકાન માલિકની ફરિયાદના આધારે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, થરાદની ધરણીધરનગર સોસાયટીમાં રહેતાં દિપકભાઇ રમેશભાઇ સોનીની નગરની મુખ્ય બજારમાં આંબલીશેરીના નાકે ભાગ્યોદય જવેલર્સ નામની દુકાન આવેલી છે.
બુધવારની સાંજે સાડા 6 વાગ્યાના સુમારે તેઓ નિત્યક્રમ મુજબ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા.
જ્યારે ગુરુવારે સવારના નવેક વાગ્યે દુકાને આવતાં શટરના આગળના ભાગની ઝાળીએ લોખંડના દરવાજાનું તાળુ તૂટેલું જણાયું હતું.
જે ગેસ કટરથી તોડેલ હોઇ તાળાની આજુબાજુ કાળી મેસ જોવા મળતાં શટરના બંને તાળાની ખાત્રી કરતાં સહી સલામત જણાયા હતા.
જોકે, દુકાનનું શટર બચી જતાં તેમની દુકાનમાંથી ચોરી થતી પણ બચી ગઇ હતી. આ બનાવને પગલે સુવર્ણકાર એસોસીએશનના પ્રમુખ સહીત વેપારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને 2
માસમાં ત્રીજી દુકાનને તસ્કરોએ નિશાન બનાવતાં ભય સાથે ફફડાટ વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા. આ બનાવ અંગે થરાદ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થરાદમાં મુખ્ય બજારમાં તસ્કર ટોળકી દ્વારા ગેસ કટરની મદદથી જવેલર્સની દુકાનમાં ચોરી કરવાની કોશિષ કરી હતી. આ વખતે એક હોમગાર્ડ જવાન આવી જતાં તસ્કરો નાસી છૂટ્યા હતા.
જોકે, હોમગાર્ડ જવાનની સતર્કતાને કારણે એક દુકાનનું તાળુ તૂટતું અટકી જવા પામ્યું હતું. ત્યારે હોમગાર્ડ જવાને એક શકમંદ શખ્સને ઝડપી પોલીસ સ્ટેશને લાવી જેલ હવાલે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update