નગરપાલિકાએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપી
પાલનપુર શહેરમાં આગામી 2 દિવસ સુધી પીવાના પાણીની તકલીફ રહેશે. ધરોઇમાં સમારકામની કામગીરી હાથ ધરનાર હોવાથી શહેરમાં પાણીની સમસ્યાને નિવારવા નગરપાલિકા દ્વારા બોરથી પાણી આપશે. જોકે, નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા હાથ વગી રાખવા જણાવ્યું છે.
પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ઘરે ઘરે નળ દ્વારા પીવાનું પાણી જૂદા-જૂદા વિસ્તારોમાં 20 મિનિટથી 1 કલાક સુધી અપાય છે.
જોકે, આગામી તા. 23 ડિસે.થી 25 ડિસે. સુધી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ધરોઇ ડેમ આધારીત પાણી પુરવઠા યોજનામાં ધરોઇ ઇન્ટેકમાં કામગીરી કરવામાં આવનાર હોય પાલનપુરમાં પાણી પુરવઠો બંધ રહેશે.
જેથી આ સમયગાળા દરમિયાન પીવાના પાણીનો જરૂરીયાત મુજબ સ્ટોક રાખવા અને ઘરગથ્થુ પાણીનો કરકસરપૂર્વક વપરાશ કરવા પાલનપુર નગરપાલિકા ચીફ ઓફીસરે જાહેર સૂચના જાહેર કરી છે.
આ અંગે પાલનપુર નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન સાગરભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘પાલનપુરમાં જૂદા-જૂદા બોર દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે તેમ છતાં ધરોઇથી પાણી ન આવે તો એકાદ દિવસ માટે તંગીની સ્થિતિ સર્જાશે.’
From-Banaskantha update