વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઇ છે
ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જીલ્લા કલેક્ટર સહીત પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઇ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા દબાણ દૂર ન થતાં વેપારીઓમાં આક્રોશ ભભૂક્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા કેટલાંક સમયથી ગેરકાયદેસર દબાણો રાફડો ફાટયો છે. જેના લીધે અનેક રોડ-રસ્તાઓ સાંકડા બની ગયા છે.
રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને શોપિંગ સેન્ટરોમાં પાર્કિગના અભાવે આડેધડ વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે.
જ્યારે બીજી તરફ ગાયત્રી મંદિરની સામે આવેલા ગ્રીન હાઉસ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઇ છે.
જેમાં શોપિંગ સેન્ટરના નીચેના ભાગમાં દુકાનદારો દ્વારા દુકાનોની આગળ નાસ્તાની લારીઓ ઉભી રાખવી અને ફ્રૂટના દુકાનદારો દ્વારા દુકાનોની આગળ શેડ બનાવી દેવામાં આવતાં શોપિંગના બીજા માળે વેપાર-ધંધો રોજગાર કરતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
શોપિંગ સેન્ટરની આગળ ગેરકાયદેસર લારી-ગલ્લા સહીત શેડ બનાવી દબાણો દૂર કરવા માટે અગાઉ પણ જીલ્લા કલેક્ટર સહીત નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરાઇ હતી.
તેમ છતાં આજદીન સુધી કોઇ કાર્યવાહી ન કરતાં ફરીથી વેપારીઓએ સાથે મળીને ડીસા શહેર પોલીસ અને જીલ્લા કલેકટર સહીત નેશનલ હાઇવે ઓથોરિટીમાં લેખિતમાં રજૂઆત કરાઇ છે.
તાત્કાલીક અસરથી શોપિંગ સેન્ટરની આગળ ગેરકાયદેસર દબાણો દૂર કરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.
From-Banaskantha update