ટીકીટ મળી તે દિવસે જ 51,000 મતોની જંગી લીડથી જીતીશું તેવો દાવો કર્યો હતો : 41,403 મતોની સરસાઇથી જંગી જીત થઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સર્વત્ર કેસરીયો લહેરાયો છે. ત્યારે ડીસા વિધાનસભામાં પણ ભાજપે 41,403 ની ઐતિહાસિક લીડથી વિજય મેળવ્યો છે. ડીસા ભાજપના ઉમેદવારની જંગી બહુમતીથી વિજેતા થતાં તેમનું ભવ્યાતી ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું.
ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોરધનજી ગીગાજી માળીના પુત્ર પ્રવિણ માળી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇના પુત્ર સંજય રબારીને ટીકીટ આપી હતી.
જ્યારે આમ આદમી પાર્ટી તરફથી ડો. રમેશ પટેલ અને અપક્ષમાંથી સૌથી મોટો મતદાર સમાજ ધરાવતાં લેબજી ઠાકોરે ઉમેદવારી કરી હતી. આમ ડીસા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામ્યો હતો.
જેમાં ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીએ પોતાની ટીકીટ મળી તે દિવસે જ 51,000 મતોની જંગી લીડથી જીતીશું તેવો દાવો કર્યો હતો. જેમાં પ્રવિણ માળીનો આ દાવો મહદંશે સાચો ઠર્યો હતો.
ડીસામાં ભાજપને 96,372 જ્યારે કોંગ્રેસને 54,969 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીની 41,403 મતોની સરસાઇથી જંગી જીત થઇ હતી. જ્યારે અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરે પણ 44,000 મત મેળવી રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો.
ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીનો જંગી બહુમતીથી વિજય થતાં તેઓ મત ગણતરી સ્થળ પાલનપુરથી ડીસા આવતાં ઠેર-ઠેર તેઓનું ભવ્યાતી ભવ્ય સ્વાગત કરાયું હતું.
જ્યારે ડીસામાં તેઓનું ભવ્ય વિશાળ વિજય સરઘસ નીકળ્યું હતું. ભાજપ કાર્યકરોએ ઠેર-ઠેર તેઓનું અભિવાદન કરી “ભારત માતા કી જય” અને “પ્રવિણભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે” ના નારાથી વાતાવરણ ગુંજવી દીધું હતું.
જ્યારે ઉત્સાહી કાર્યકરોએ જે.સી.બી. મશીનના પાવડા ઉપર ચઢી પ્રવિણભાઇનું અભિવાદન કર્યું હતું. જયારે મોડી સાંજે તેમનું ભવ્ય વિજય સરઘસ શહેરના માર્ગો પર નીકળતાં હજારો લોકોની જનમેદની ઉમટી પડી હતી.
પોતાની જીત બાદ પ્રવિણ માળીએ સમગ્ર ડીસા વિધાનસભાની જનતાને પોતાને જંગી બહુમતીથી જીતાડવા બદલ આભાર માની આ વિસ્તારમાં ભાજપના વિકાસ કાર્યોને સદંતર પ્રગતિની દિશામાં લઇ જઇ ડીસાને પાણીદાર બનાવી અને બટાકા ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
From-Banaskantha update