પોલીસે 2 શખ્સોના નામ અને 3 અજાણ્યા મળીને કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
થરાદમાં ભાજપનો પ્રચાર કરતાં ખાનગી તબીબની કાર પર 5 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.
પોલીસે 2 શખ્સોના નામ જોગ અને 3 અજાણ્યા મળીને 5 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે તબીબે પોતાના પર થયેલા હુમલાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. આ બનાવને પગલે રાજકીય માહોલમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, થરાદના ક્રિષ્ના હોસ્પિટલના તબીબ કરશનભાઇ રાણાભાઇ પટેલ (હાલ રહે.અંબિકાનગર સોસાયટી, મૂળ રહે. લુણાલ, તા.થરાદ) એ રાત્રિના 2 વાગ્યાના સુમારે તેઓ પોતાની નં.
GJ-08-BB-4232 ની કાર લઇને ઘર તરફ આવતાં હોઇ તેમની પાછળ આવેલી નંબર વગરની સ્વીફ્ટ કારના ચાલકે પોતાની હોસ્પિટલના ભાગે ગાડી પાર્ક કરતી વખતે પાછળથી ટક્કર મારી હતી.
આથી તેઓ પોતાની કાર લઇને પોતાના મકાને જતાં ત્યાં કાર પાર્ક કરતી વખતે ફરીથી કારમાં આવેલા શખ્સોએ પાછળથી ટક્કર મારી હતી.
જયારે તેમાંથી 5 શખ્સો હાથમાં લોખંડના સળીયા અને પાઇપો લઇને નીચે ઉતર્યાં હતા અને તબીબને જાનથી મારી નાખો.
ઘણા દિવસથી ભાજપનો ઝંડો લઇને ફરે છે તેમ કહી ગાડીના પાછળના કાચ પર આડેધડ સળીયા અને પાઇપો મારી જીવલેણ હુમલો કર્યો હતો.
જ્યારે દરવાજા પાસે આવી તબીબ બહાર નીકળતાં તારા હાથ પગ ભાગી જાનથી મારી નાખવો છે તેમ અપશબ્દો બોલ્યા હતા.
જોકે, તેમણે ગાડીનો દરવાજો લોક કરી દેતાં તેમણે પ્રયત્ન કરવા છતાં તે ખોલ્યો ન હતો. આ લોકોને ઓળખતાં એક ચંદ્રેશ આભાભાઇ રાજપૂત (રહે. ખીમાણાવાસ, તા.વાવ) અને શ્રવણસિંહ સોઢા (રાજપૂત) હતા.
જોકે, હોસ્પિટલનો સ્ટાફ આવી જતાં આજે તો બચી ગયો છે. પરંતુ હવે પછી પ્રચારમાં 2 દિવસ ક્યાંય દેખાઇશ તો તને ગાડીની ટક્કર મારી ઉડાવી દઇશું તેવી ધમકી આપી જતાં રહ્યા હતા.
તેઓ ભાજપનો પ્રચાર કરતાં હોય તેનું મનદુઃખ રાખી જાનથી મારી નાખવાના ઇરાદે તેમની ગાડીને ટક્કરો મારી તેમના પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કારના કાચને તોડી નુકશાન
કર્યાં બાબતની તબીબે ફરિયાદ થરાદ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે 2 શખ્સોના નામ અને 3 અજાણ્યા મળીને કુલ 5 શખ્સો સામે આઇ.પી.સી.-307 સહીતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાની સ્પષ્ટતાના વિડીયો સાથે સોશિયલ ટાઇમીંગ સાથેના કારના સી.સી. ફૂટેજ પણ વાયરલ કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘મે 3 વર્ષમાં નાતજાત ભેદભાવ રાખ્યા નથી.
કોરોનામાં પણ તબીબ કરશનભાઇને મદદ કરી છે અને મેં કશુ ખોટું કર્યું હશે તો નકળંગ અને શામળીયો ભગવાન મને પહોંચશે અથવા તબીબ કરશનભાઇને પહોંચશે.
જયારે ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ઉમેદવાર દ્વારા તબીબને હાથો બનાવી પાયા વિહોણા આક્ષેપ કરાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે પોલીસ દ્વારા ગઇકાલથી વર્તન થઇ રહ્યું છે.’
From-Banaskantha update