2 પુત્રો સાથે પિતા ભાડલા માનતા પુરી કરવા ગયા હતા : પિતા-પુત્રને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડયા
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના પિયાવા ગામ નજીક શનિવારે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. જેથી નાસી ગયેલા વાહન ચાલક સામે ચોટીલા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ચોટીલાના મફતીયાપરામાં રહેતાં હેમંતભાઇ મેઘાભાઇ જાદવ (ઉં.વ. આ. 35) બાઇક ચલાવતા હતા.
અને તેમાં તેઓના પુત્ર અભય હેમંત (ઉં.વ.આ.12) અને માનવ હેમંતભાઇ (ઉં.વ. આ. 10) બેઠા હતા. તેઓ ભાડલાના મંદિરે પુત્ર માનવની માનતા પુરી કરી ચોટીલા પરત ફરતા હતા.
તે દરમિયાન રસ્તામાં પિયાવા ગામની ગોળાઇ નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં હેમંતભાઇ અને તેમના બંને પુત્ર રસ્તા પર ફંગોળાયા હતા. ત્યાં પિતાની નજર સામે ઘટનાસ્થળે જ પુત્ર અભયનું મોત નિપજ્યું હતું.
જ્યારે હેમંતભાઇ અને તેમના પુત્ર માનવને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. માનવને મોંઢામાં ફોડલા થયા હોય માનતા રાખી હતી.
ત્યાં પિતા-પુત્રો માનતા પુરી કરવા ગયા હતા. હેમંતભાઇ મજૂરી કામ કરે છે. પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે હાલ ચોટીલા પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update