ચૂડેલ છે આખા ઘરને ભરખી ગઇ તેમ કહી ત્રાસ ગુજાર્યો
થરાદમાં સાસરીયાઓના ત્રાસથી પરિણીતાએ ફીનાઇલ પી લેતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે તેણીએ પતિ સહીત સાસરી પક્ષના 3 શખ્સો સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના રાવળા ગામના નયનાબેનના લગ્ન થરાદની ચામુંડાનગર સોસાયટીમાં રહેતાં ચેતનભાઇ પ્રભુભાઇ માળી સાથે થયા હતા. જેમને સંતાનમાં એક દીકરી છે.
જોકે, પતિ ચેતનભાઇ, જેઠ જયેશભાઇ પ્રભુભાઇ માળી અને કાકા સસરા શંકરભાઇ વિરદાસભાઇ માળીએ એકબીજાના ચઢામણી કરી આતો ચૂડેલ છે. આખા ઘરને ભરખી ગઇ છે.
તેની પાસે છોકરી આપણે લઇ લેવાની છે. તેમ કહી મારઝૂડ કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.
આથી નયનાબેન તેમના પિતાના ઘરે જઇ સાસરીયાઓના ત્રાસથી લાગી આવતાં ફીનાઇલ પી લીધું હતું. આ અંગે તેણીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update