દાંતા ભાજપના નેતા વિડીયોમાં દેખાય છે : રૂપિયા આપતાં વિડીયો અંગે ચૂંટણી પંચે તપાસ હાથ ધરી
દાંતા વિધાનસભા ભાજપના ઉમેદવાર લાધુ પારગી બેફામ નિવેદનો કરી ચર્ચામાં છે. ત્યાં હવે દાંતા મત વિસ્તારમાં જ ભાજપનો કેસરી ખેસ અને ટોપી પહેરેલા કાર્યકરો વનવાસી યુવકોને રૂપિયા આપવાનો
વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જે અંગે ચૂંટણી પંચે તપાસ હાથ ધરી છે. જોકે, આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
56 સેકન્ડના આ વિડીયોમાં દેખાઇ રહ્યું છે કે, ખભામાં કેસરી ખેસ પહેરેલો એક યુવક જેના હાથમાં રૂપિયા છે તે સામે લાઇનસર બેઠેલા યુવકોને એક એક કરીને તમામને આપી રહ્યો છે.
તેની સાથે બીજો યુવક આ પ્રસાદ છે પ્રસાદ છે તેમ કહી લઇ રહ્યો છે. સૌથી છેલ્લે બેઠેલા યુવકે ખીસ્સામાં મોબાઇલ રાખી આ ઘટનાને કેદ કરી છે.
વિડીયોમાં અદબવાળીને સફેદ કપડામાં દાંતા ભાજપના નેતા એલ.કે. બારડ પણ 3-4 સેકન્ડ માટે દેખાય છે. વિડીયોમાં નાણાં શેના માટે અપાઇ રહ્યા છે તે સ્પષ્ટ થતું નથી.
પરંતુ કોઇ સભામાં હાજરી આપવા કે પાર્ટી સાથે જોડાઇ રહેવા કે અન્ય કોઇ બાબતની લાલચ આપી હોવાનું સોશિયલ મીડીયામાં ચર્ચાય છે.
ચર્ચા એવી પણ છે કે, 2 દિવસ પહેલાં જે વિડીયો ઉતર્યો હતો. જેમાં સાડી અને રૂપિયાની વાત કહેવાતી તે બેડા ગામમાં આવવાનું કહેવાયું હતું જે બાબત હોઇ શકે છે.
નાયબ ડી.ડી.ઓ. અને અમીરગઢ ટી.ડી.ઓ.ની ટીમે વિડીયો ફૂટેજના આધારે કેટલાંક લોકો સાથે પૂછપરછ પણ કરી છે.
હજુ સુધી વિડીયો કયા ગામનો છે તે સ્પષ્ટ થઇ શક્યું ન હતું. આ અંગે વિસ્તારના આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘અમારા સમાજમાં મહીલાઓ દીકરીઓને સાડી ઓઢાડવાનો અને યુવાનોને રૂપિયા રૂપે શુકન આપવાનો રીવાજ છે અમારી દ્રષ્ટિએ આ કંઇ ખોટું નથી.’
From-Banaskantha update