સગીરાને આગળ ભણાવવા માટે સગા ફૂવા પોતાની સાથે ગામમાં લઇ ગયો હતો : સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં તેણીએ તેની મમ્મીને જણાવ્યું હતું
દુષ્કર્મની દિવસેને દિવસે બનતી ઘટના લોકોને હચમચાવી રહી છે. આપણો દેશ જાણે દુષ્કર્મીઓના ચૂંગાલમાં ફસાઇ ગયો હોય તેમ આપણી બહેન, દીકરી કે આપણી માં એકલા બહાર નીકળવામાં હચકચાટ અનુભવે છે. ત્યારે બારડોલીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે.
જ્યાં આપણી દીકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. બારડોલીના એક ગામના સગા ફૂવાએ પોતાની જ 16 વર્ષની ભત્રીજી સાથે મરજી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેનો 7 માસ બાદ ભાંડો ફૂટતાં સગીરાને 7 માસની ગર્ભવતી બનાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, બારડોલી તાલુકાના એક ગામમાં રહેતાં 4 લોકોનો પરિવાર જેમાં પતિ-પત્ની પોતે અને તેમના 2 બાળકો છે. જેમાં તે પરિવાર મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
જ્યાં તેમની સૌથી મોટી 16 વર્ષની દીકરી ગામમાં ફક્ત ધો. 5 સુધીની શાળા હોવાથી ધો. 5 સુધી જ ભણી હતી અને ત્યારબાદ પોતાના માતા-પિતા સાથે મજૂરી કામ કરી તેના માતા-પિતાને ગુજરાન ચલાવવામાં સહાય કરતી હતી.
તે દરમિયાન સગીરાના ફૂવા-ફોઇને જાણ થતાં કે સગીરાને ભણવું છે. પરંતુ ગામમાં ધો. 5 સુધીની શાળા હોવાથી ભણી શક્તી નથી. માટે તેઓએ સગીરાને આગળ ભણાવવા માટે પોતાની સાથે તેમના ગામમાં લઇ ગયા હતા.
જ્યાં સગીરા ભણવાની સાથે મજૂરી કામ કરી ફૂવા-ફોઇને ઘર ચલાવવા મદદ પણ કરતી હતી અને તેના ફૂવા-ફોઇ સાથે તેમના જ ઘરે રહેતી હતી.
આશરે ત્રણેક માસ પહેલાં સગીરાના ફૂવા અચાનક તેની ભત્રીજીને તેના ઘરે મૂકીને પોતાના ઘરે પરત ફરી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતાં તેણીએ તેની મમ્મીને જણાવ્યું હતું.
જેથી સગીરાની માએ દીકરીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં ફરજ પરના તબીબે સગીરા 7 માસથી ગર્ભવતી હોવાનું જણાવતાં માતાના પગ નીચેથી જમીન ખસી પડી હતી. ત્યારબાદ તેઓએ ઘરે આવ્યા બાદ સગીરાના પિતાને બધી વાત કરી હતી.
માતાએ ઘરે પરત ફરી સગીરા સાથે આ બાબતે વાતચીત કરતાં તેણે જણાવ્યું હતું કે, ‘1 વર્ષ પહેલાં જ્યારે ફૂવા મને પોતાની સાથે તેમના ઘરે ભણાવવા માટે લઇ ગયા હતા.
ત્યારે રોજ જ્યારે ઘરે કોઇ ન હોય ત્યારે અને રાતના સમયે બધા સૂઇ ગયા હોય તે પછી મારા જોડે બળજબરીપૂર્વક મરજી વિરૂદ્ઘનું કૃત્ય કરતાં હતા. મેં તેમને ઘણીવાર ના પાડી છતાં તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપીને મારી સાથે દુષ્કર્મ આચરતાં હતા.
જયારે હું ફૂવા પાસે ગામની સીમમાં લાકડા લેવા જતી હતી ત્યારે પણ તેઓ મારી સાથે મારી મરજી વિરૂદ્ધ શારીરિક સબંધ બાંધતા અને મને જણાવતા હતા કે, આ વાત કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી હું ગભરાઇને આ વાત કોઇને કહી શક્તી ન હતી.’
આ વાતની જાણ સગીરાએ તેની માતાને કરતાં માતાએ તાત્કાલીક પોતાની દીકરી સાથે પોલીસ સ્ટેશનમાં જઇને સગીરાના સગા ફૂવા વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે બારડોલી સી.પી.આઇ. જે.એ. બ્રહ્મભટ્ટે તપાસ આરંભી લંપટ ફૂવાની અટકાયત કરી છે અને તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જયારે ઇ.પી.કો કલમ-376 (2) એફ, 376(2) એન, 376(3) અને 506(2) ની ધારા મુજબ તપાસ હાથ ધરાઇ છે.
From-Banaskantha update