પરિવારના 2 પરિણીત ભાઇઓની ધોળા દહાડે નિર્મમ હત્યાના બનાવથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે
પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા અબડાસા તાલુકાના નાના એવા વાગોટ ગામમાં શનિવારે 2 સગા ભાઇની કરપીણ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
વાગોટના કોલીવાસમાં સવારે 10 વાગ્યાના સુમારે ભરત કોલી નામના શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક સાથે માથાકૂટ કરી હતી અને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ત્યારે યુવકનો મોટો ભાઇ જોઇ જતાં નાના ભાઇને બચાવવા વચ્ચે પડયો હતો. ત્યારે ગભરાઇ ગયેલો શખ્સ મોટા ભાઇ પર પણ છરી લઇને તૂટી પડયો હતો. આમ જોતજોતામાં બંને ભાઇઓને રહેંસી નાખ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, વાગોટ ગામની પોલીસ ચેકપોસ્ટથી માત્ર 300 મીટર દૂર કોલીવાસમાં આરોપી ભરત કોલીએ જૂની અદાવતનું મનદુઃખ રાખી મૃતક ભાઇઓના ઘર નજીક બોલાચાલી કરી હતી.
અને યુવક કાનજી શાંતિલાલ કોલીને ઉશ્કેરાઇ જઇ છરીના ઘા મારી દીધા હતા. ભાઇને બચાવવા વચ્ચે પડેલા વિનોદ શાંતિલાલ કોલીને પણ છરીના અનેક ઘા ઝીંકી દેતાં બંને ભાઇ ઘાયલ અવસ્થામાં ઢળી પડયા હતા. બનાવને અંજામ આપી આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
બાદમાં ગંભીર રૂપથી ઘાયલ થયેલા બંને યુવકોને પ્રથમ નલીયા અને ત્યાંથી નખત્રાણાના મંગવાના સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે બંને હતભાગી ભાઇઓને મૃત જાહેર કર્યાં હતા. વાયોર પોલીસે મૃતકના મૃતદેહોને પી.એમ. ની કાર્યવાહી શરૂ કરાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
અલબત્ત, નાના એવા ગામમાં છૂટક મજૂરી કામ કરતાં પરિવારના 2 પરિણીત ભાઇઓની ધોળા દહાડે નિર્મમ હત્યાના બનાવથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને કોલી સમાજમાં ગમગીનીનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
આ અંગે વાયોર પી.એસ.આઇ. રાઠોડે જણાવ્યું હતું કે, ‘ફરાર આરોપીના વાવડ મળી ગયા છે અને ટૂંક સમયમાં તેની અટકાયત કરી લેવામાં આવશે. હત્યા જૂની અદાવત મામલે થયાનું તેમણે કહ્યું હતું. હાલ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.’
From-Banaskantha update