ઝઘડીયાના રાજપારડી ગામે દિપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો
વનવિભાગની ટીમે પાંજરૂ ગોઠવવાની કવાયત હાથ ધરી
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં દિપડાઓની સંખ્યા વધતા હવે દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘસી આવવાના બનાવો બની રહ્યા છે. આવીજ એક ઘટનામાં ઝઘડીયા તાલુકાના રાજપારડી ભાલોદ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે રાત્રે દિપડો દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો, અને સ્થાનિકો મોટી સંખ્યામાં દિપડાને નિહાળવા ટોળે વળ્યા હતા.
ઘટનાની જાણ વનવિભાગને થતાં ઝઘડિયા વનવિભાગના આર.એફ.ઓ. મીનાબેન પરમાર,રાજપારડીના ફોરેસ્ટર મહેશ વસાવા તેમની ટીમ સાથે તરત રાજપારડી દોડી આવ્યા હતા અને દિપડાની હાજરી જણાઇ હતી તે સ્થળે તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોમાં ચર્ચાતી વાતો મુજબ રાજપારડીની સીમમાં અવારનવાર દિપડાઓ દેખા દેતા હોય છે,
તેમજ દિપડાઓ દ્વારા અવારનવાર શ્વાન,બકરા,વાછરડા તેમજ અન્ય પશુઓ પર હુમલાઓ કરાતા હોય છે. બુધવારે રાત્રીના સમયે દેખાયેલા દિપડાએ એક શ્વાનનો શિકાર પણ કર્યો હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ. રાજપારડીમાં દિપડો નજરે પડતા દિપડાને નિહાળવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોના ટોળાને સલામતીના ભાગરૂપે રાજપારડી પોલીસે હટાવી દીધા હતા. જોકે કોઇએ દિપડાનો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં પણ ફરતો કર્યો હતો.