પાલનપુરના ફતેપુરના ખેડૂતની મહેનત રંગ લાવી : કૂવો રીચાર્જ કરતાં પ્રથમ વરસાદમાં 70 ફૂટ પાણી ભરાયું

- Advertisement -
Share

કૂવામાં પાણી ભરવા 20 ફૂટ ઉંડી પાઇપલાઇન નાખી નેવાના પાણી મોભે ચડાવ્યા : ગામ અને ખેતરનું​​​​​​​ પાણી કૂવામાં વાળવા માટે 500 ફૂટ લાંબી પાઇપલાઇન નાખી

 

ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ફતેપુર ગામના એક ખેડૂતે નેવાના પાણી મોભે ચડાવી પોતાનો કૂવા રીચાર્જ કરતાં 2 દિવસ અગાઉ પડેલા પ્રથમ વરસાદમાં જ 70 ફૂટ
પાણી ભરાયું છે. જળ સંચયના આ કાર્યમાં 500 ફૂટ લાંબી પાઇપલાઈનથી પાણી કુંડીમાં નાખી કૂવામાં વાળ્યું છે. જેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

 

ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠા જીલ્લામાં અનિયમિત વરસાદને કારણે વર્ષો વર્ષ પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જોઇએ તો પૂર્વમાં ડુંગરાળ અને પશ્ચિમમાં
રણ વિસ્તાર આવેલો છે. જ્યાં દાંતા-અંબાજી અને ધાણધાર વિસ્તારમાં પાણીના તળ 150 થી 300 ફૂટ સુધી મળી રહે છે. રણ વિસ્તારમાં મોટાભાગે પેટાળમાં ખારૂ પાણી છે.

 

જો કે, નર્મદા કેનાલથી ખેડૂતો સિંચાઇ કરી રહ્યા છે. ઉત્તર-દક્ષિણમાં દાંતીવાડા અને મોકેશ્વર ડેમની આજુબાજુ પેટાળમાં પાણી છે.

 

જો કે, તે સિવાય ધાનેરા-વડગામ સહીતના અંતરીયાળ વિસ્તારમાં પેટાળનું પાણી ઉંડે પહોંચતા મોટાભાગની જમીન વાવણી વગર પડી રહી છે.આવી સ્થિતિમાં જળ સંચય થકી ખેડૂતો પોતાના બોર અને કૂવા રીચાર્જ કરી રહ્યા છે.

 

જેમાં પાલનપુર તાલુકાના ફતેપુરના નરેન્દ્રસિંહ ગુલાબસિંહ ભાટીએ સ્વખર્ચે પ્રથમ વરસાદમાં પોતાના કૂવામાં 70 ફૂટ પાણી ભરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
આ અંગે ગજેન્દ્રસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, ‘મારા ભાઇ નરેન્દ્રસિંહે ગત વર્ષે કૂવો રીચાર્જ કરવા માટે રૂ. 1,00,000 નો ખર્ચ કર્યો હતો.

 

જો કે, ત્યારે વરસાદ નહીવત પડતાં કૂવામાં ઝાઝું પાણી આવ્યું ન હતું. પરંતુ આ વર્ષે 2 દિવસ પહેલાં પડેલા પ્રથમ વરસાદમાં જ અડધું ગામ અને આજુબાજુના ખેતરમાં પાણી કૂવામાં ભરવામાં આવ્યું છે.
300 ફૂટ ઉંડા કૂવામાં હાલ 12 ફરમા સુધી પાણી ભરાયું છે. હજુ તો આખુ ચોમાસુ બાકી છે. ત્યારે આવનારા દિવસોમાં કૂવામાં સારૂ એવું પાણી આવશે તેવી આશા છે.’

 

નરેન્દ્રસિંહ ભાટી 20 વર્ષ અગાઉ કૂવામાંથી પાણી લઇ ખેતરમાં વાવેતર કરતા હતા. જો કે, તળ ઉંડા જતાં કૂવામાં પાણી રહ્યું ન હતું.
આથી બોર બનાવી ખેતરમાં ફૂવારા પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. પરંતુ બોરમાં પણ પાણી ખૂટી જતાં કુલ 40 ફૂવારા પૈકી ગત વર્ષે 20 ફૂવારા ઉપડતા હતા.

 

જ્યારે આ વર્ષે તો માત્ર 8 થી 9 ફૂવારા જ ઉપડે છે. ત્યારે કૂવામાં પાણી રીચાર્જ થતાં હવે તેમના બોરના પાણીના તળ ઉંચા આવશે. જયારે આજુબાજુના ખેતરોના પાણીના તળ પણ ઉંચા આવતાં ખેડૂતોને તેનો લાભ મળશે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!