વરસાદને આડે ગણતરીના દિવસો બાકી હોવા છતાં ગટરોની સફાઇ કરાતી નથી
ચોમાસાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પાણીના વહન માટે બનાવેલ મોટાભાગની ગટરો કાદવ-કીચડ ભરાઇ જવા પામી છે.
જેથી નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં ગટરોની સાફ-સફાઇ કરવામાં નહીં આવે તો ગટરનું અને વરસાદી પાણી શહેરમાં ભરાવાની સમસ્યા ઉભી થાય તેવી હાલત જોવા મળી રહી છે.
ડીસા નગરપાલિકા દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારમાં ગટરો બનાવવામાં આવેલી છે. જે ગટરોની નિયમિત સાફ-સફાઇના અભાવે કાદવ-કીચડ ભરાઇ જતાં મોટાભાગની ગટરો પુરાઇ જવા પામી છે.
ડીસા શહેરના ચંદ્રલોક સોસાયટી, લચ્છાજીની ચાલી, એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ નજીકથી ટેલીફોન એક્ષચેન્જ પાછળ થઇ સિંધી કોલોની અને ફુવારા નજીક આવેલ હીન્દુ ધર્મશાળા પાસેથી મહાકાય ગટર પસાર થાય છે.
જે ગટર આમ તો ખૂબ જ મોટી અને ઉંડી છે પરંતુ કાદવ-કીચડથી પુરી ભરાઇ ગઇ છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા અગાઉ પ્રિ-મોન્સુન પ્લાનીંગ અંતર્ગત ગટરોની સાફ-સફાઇ કરાવવામાં આવે છે પરંતુ તે
તો માત્ર નામ પુરતી જ સફાઇ થાય છે. આ ઉપરાંત ડીસા શહેરની મોટાભાગની ગટરોની સફાઇ કરાવવી અત્યંત જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા નગરપાલિકા દ્વારા જો ગટરોની પુરતી સાફ-સફાઇ કરાવવામાં નહી આવે તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય તેમ જ છે.
ડીસા શહેરમાં દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત મોટી ગટરોની સફાઇ કરાવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પણ ગટરની સાફ-સફાઇ કરવા જે.સી.બી. સહીતના સાધનોની જરૂરીયાત હોઇ
હાલમાં ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જેથી ટૂંક જ સમયમાં કામગીરી શરૂ કરાશે તેમ ડીસા નગરપાલિકા સેનીટેશન શાખાના દેવરામભાઇ માળીએ જણાવ્યું હતું.
ડીસા નગરપાલિકા દ્વારા વરસાદ આવે તે પહેલાં ગટરોની સાફ-સફાઇ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ ટેલિફોન એક્ષચેન્જ પાછળથી સિંધી કોલોનીમાંથી પસાર થતી મુખ્ય ગટરને દર વર્ષે માત્ર
નામ પૂરતી જ માટી કાઢવામાં આવે છે. જેથી નગરપાલિકા દ્વારા મોટી ગટરને સંપૂર્ણ સફાઇ કરાવે તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
From-Banaskantha update