ડીસામાં બાઇક અને એક્ટીવા સામસામે ટકરાતાં એક યુવક ગંભીર

- Advertisement -
Share

અકસ્માત બાદ એક્ટીવા મૂકી ચાલક ફરાર : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : 108 વાન અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી

 

ડીસામાં અડચણ રૂપ દબાણો અને ટ્રાફીક સમસ્યા શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બની ગઇ છે. ત્યારે ટ્રાફીક માટે નિયુક્ત કરાયેલા જવાનો મોબાઇલ મેન્યા કે વાતોના ગપાટા મારવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ત્યારે આ બાબતે જીલ્લા ટ્રાફીક તંત્ર દ્વારા લાપરવાહી દાખવતા જવાનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના હાર્દસમા જલારામ મંદિર સર્કલ પર, સરદાર બાગ પાસે, ફુવારા નજીક, જૂના શાકમાર્કેટમાં અને ગાંધીજીના બાવલા નજીક વગેરે જગ્યાઓએ ટ્રાફીક ચક્કાજામના દૃશ્યો સર્જાય છે.

 

જેનાથી અવાર-નવાર નાના-મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે. જ્યારે ડીસાના રેલ્વે સ્ટેશન ચાર રસ્તા ઉપર ઇક્કો ગાડીઓના અડીંગો જોવા મળી રહ્યો છે.

 

જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં આ વિસ્તારમાં પણ અડચણ રૂપ દબાણો અને ટ્રાફીકજામના કારણે લોકો તોબા પોકારી ઉઠયા છે.

 

ત્યારે મંગળવારે રાત્રે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતાં પવનકુમાર (ચિરાગ) લાલચંદભાઇ લોધા પોતાનું બાઇક લઇને કોઇ કામકાજ અર્થે બજારમાં આવી રહ્યા હતા.

 

ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર પવનકુમાર લાલચંદભાઇ લોધા બાઇક ઉપરથી ફંગોળાઇ ધડાકાભેર રસ્તા ઉપર પછડાયા હતા.

 

જેના કારણે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે, અકસ્માત સર્જનાર એક્ટીવા ચાલક એક્ટીવા મૂકી ફરાર થઇ ગયો હતો.

 

આ અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને લોકો દ્વારા તાત્કાલીક 108 વાન અને પોલીસને જાણ કરતાં પોલીસ અને 108 વાન ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને 108 વાન દ્વારા ઘાયલ બાઇક સવારને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

જ્યાં બાઇક સવારની હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોનો અડીંગો અને બેફામ રીતે ધૂમ સ્ટાઇલમાં દ્વિચક્રી વાહન ચલાવનાર વાહન ચાલકો જે ટ્રાફીક નિયમોને ઘોળી પી રહ્યા છે.
ત્યારે આ બાબતે જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન તોડનાર અને કાયદાનું પાલન ન કરાવનાર ટ્રાફીક પોલીસ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!