ફાગણ વદ-સાતમ એટલે શિતળા સાતમ વર્ષમાં શિતળા સાતમનો તહેવાર 2 વાર ઉજવવામાં આવે છે. ફાગણ વદ-સાતમ અને શ્રાવણ વદ-સાતમ આમ 2 દિવસે આ દિવસની ઉજવણી થાય છે.
પરંતુ બનાસકાંઠા જીલ્લામાં ફાગણ વદ-સાતમ પર ઉજવવામાં આવતાં શિતળા સાતમના તહેવારનું ખૂબ મહત્ત્વ છે. ડીસા નજીક આવેલા કુંપટ ગામમાં શિતળા સાતમ પર ગુરૂવારે ભવ્ય લોકમેળો યોજાય છે અને દૂરદૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતાં હોય છે.
ડીસા તાલુકામાં બનાસ નદીના તટે વસેલા કુંપટ ગામમાં દર વર્ષે ફાગણ વદ-સાતમના દિવસે શિતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે. છેલ્લા 400 વર્ષથી આ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.
પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના સંક્રમણને કારણે આ મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું અને કોરોના વાયરસનું સંક્રમણ ઘટતાં હવે એકવાર ફરી આ વર્ષે આ મેળાનું આયોજન કરાયું હતું.
કુંપટ ગામમાં આવેલા આ શિતળા માતાજીના મંદિર પ્રત્યે ગુજરાત સહીત અન્ય રાજ્યોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણ વદ-સાતમના દિવસે દૂરદૂરથી ભક્તો આવીને માતાજીના ચરણોમાં શિશ નમાવવા આવતાં હોય છે.
ચામડીના રોગો, આંખોના રોગો અને ઓરી-અછબડા જેવો રોગોમાં લોકો માતાજીને ટેક રાખતાં હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં ભક્તો કુંપટ સ્થિત શિતળા માતાજીના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતાં હોય છે.
શિતળા સાતમ પર કુંપટ ગામમાં આવેલા શિતળા માતાજીના મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે.
પરંતુ મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્તની સાથે સાથે સ્થાનિક યુવક મંડળના સ્વયંસેવકો પણ ખડેપગે વ્યવસ્થામાં જોડાય છે.
From-Banaskantha update