પાલનપુરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક યંત્રોની આડમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે જુગારધામ

- Advertisement -
Share

પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ધાર્મિક યંત્રોની આડમાં ખુલ્લેઆમ જુગાર ચાલે છે. ધાર્મિક યંત્ર પર 11 રૂપિયા લગાવી 100 રૂપિયાની લાલચમાં લોકો ફસાય છે. ગુજરાતના નાના નાના શહેરોમાં વર્ષોથી જુગાર ધામ ચાલવા છતાં પોકિસની કોઈ રોકટોક થતી નથી, વર્ષો અગાઉ માર્કેટિંગ કંપનીએ પ્રમોશનના નામે ગ્રાહકોને વળતર અપાતું હોવાનું જણાવી હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાથી કોઈ જ કાર્યવાહી નથી થતી.

 

આ ઓનલાઈન જુગાર માટે કોઈ ખાનગી એજન્સીની માર્કેટીંગ પ્રા.લિ.નો સોફટવેર આપવામાં આવ્યો છે. જેમાં કોમ્પ્યુટરની સ્ક્રીનમાં દસ ધાર્મિક યંત્રો જેમાં શ્રીયંત્ર, વશીકરણ યંત્ર, પ્લેનેટ યંત્ર સહિત અલગ-અલગ દસ ફોટા દેખાય છે. જેની નીચે એકથી દસ આંકડા લખેલ હોય જે આ જુગાર રમતા ખેલૈયાઓ પાસેથી સંચાલકો રૂપિયા જમા કરાવે અને જેટલા રૂપિયા જે આંકડા ઉપર રમવા માંગતો હોય તે આંકડા પર તે દાવ લગાડે અને જે જીતે તેને રૂ.11 લગાવેલા હોય તેને રૂ. 100 મળે, આ રીતે દર 15 મિનિટે ઓનલાઈન ડ્રો કરી ખૂલ્લેઆમ જુગાર રમાય છે.

 

જેમાં યુવાનો, મજુરો અને મધ્યમ વર્ગના લોકો જૂગારના રવાડે ચડી રહ્યા છે. મધ્યમ વર્ગના લોકો અને મજુર વર્ગના લોકો ખાસ આ જુગાર રમવા અહીં આવે છે. પાલનપુરના રેલવે સ્ટેશન નજીક ખાનગી દુકાનમાં અલગ અલગ કોમ્યુટર સ્ક્રીન રાખીને રમાડવામાં આવે છે.

 

એક શખ્સે જણાવ્યું હતું કે “લોકો હવે કુંડાળામાં જુગાર રમવાના બદલે પોલીસને થાપ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી પોલીસને શંકા પણ જાય નહી અને જુગાર રમાડી શકાય.” ઉલ્લેખનીય છે કે એજન્સીએ કેટલાક વર્ષો અગાઉ હાઇકોર્ટમાં જઈને કહ્યું હતું કંપનીના પ્રમોશન માટે ગ્રાહકોને લાભ આપીએ છીએ આ જુગારધારા હેઠળ નથી આવતું જેથી કોર્ટે કેસો કરવા અંગે સ્ટે આપ્યો હતો. જોકે, આ બાબતને વર્ષો વીતી ગયા છે તેનું લેટેસ્ટ અપડેટ જાણી શકાયું નથી. જોકે જ્યાં જ્યાં આ જુગાર રમાય છે ત્યાં હાઇકોર્ટના જજમેન્ટ ચોંટાડવામાં આવ્યા છે. જેના લીધે આ પ્રવૃત્તિઓને છૂટો દોર મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે

 

જુગારધામ ઉપર બોર્ડ લગાવવામાં આવ્યા છે. રમવા ગયેલા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “લોકો ઘરે બેસી મોબાઇલ ઉપર રમી શકે તે માટે યંત્ર મટકાની મોબાઇલ એપ બનાવી છે જેમાં પહેલાં આ એપ ઇનસ્ટોલ કરી લોગીન પાસવર્ડ નાખી પહેલાં બેલેન્સ ભરવાનું હોય છે અને ત્યારબાદ મોબાઇલમાં એપ ઓપન કરે ત્યારે સ્ક્રીન ઉપર તેની બેલેન્સ, ડ્રોની માહીતીની જાણકારી અપાય છે જેના આધારે જુગારમાં કમાવવાની લાલચમાં એપની મદદથી બમણું જુગાર રમે છે.”

 

2 વર્ષ પહેલાં ગાંધીધામ આદિપુર સહીતના વિસ્તારમાં ગાંધીધામ એ-ડિવિજન, બી-ડિવિઝન પોલીસ અને આદિપુર પોલીસે સંયુક્ત રીતે 6 દુકાનોમાં યંત્રના ફોટાની આડમાં આંક ફેરનો જુગાર રમતા રમાડતા 9 આરોપીઓને રૂ.58,000 રોકડ તથા 6 કોમ્પ્યુટર તેમજ 6 ડીવીઆર કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં પણ ઓક્ટોમ્બર 2020માં યંત્રો આધારિત જુગાર રમાડતા ત્રણ શખ્સોની ધરપકડ કરી 68 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, ઉપરાંત દ્વારકા અને ઓખામાં પણ આ યંત્ર જુગારના કેસો કરવામાં આવ્યા હતા.

 

જુગાર રમવા ગયેલા યુવકે જણાવ્યું કે, કોમ્પ્યુટરની સ્ક્રીન પર શ્રી વશીકરણ સુદર્શન વાસ્તુ પ્લેનેટ લવ તારા ગ્રહ મત્સ્ય અને મેડિટેશન નામના 10 યંત્ર સ્ક્રીન પર ઓનલાઈન દેખાતા હતા. દરેક યંત્રનો દર પંદર મિનિટે લકી ડ્રો થઇ રહ્યો હતો જેમાં ભાગ્યે જ કોઈને લકી ડ્રોમાં દસ ગણા પૈસા મળતા હતા. મોટાભાગના લોકો એક વાર લાગશે તેમ સમજી વારંવાર જુદા જુદા યંત્ર પર પૈસા લગાવતા હતા. જેમાં દસ રૂપિયા લગાવવાના ચક્કરમાં વારંવાર પ્રયાસો કરી કોઈ સો રૂપિયા સુધી પણ લગાવી દેતા હતા, એકવાર આની લત લાગી જાય તો બીજીવાર લાલચમાં ખેંચાઈને લોકો આવતા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!