ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું : ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતા

- Advertisement -
Share

 

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે સિંગર વિજય સુવાળા સહીત બે નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી છે. ત્યારબાદ સુરતના ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી આમ આદમી પાર્ટી છોડી છે.

 

 

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, ‘આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરૂ છું. હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું મને કોઇ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઇશ.’

 

જાણીતા લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઇ ગયો છે. ‘આપ’માં જોડાયાના 7 માસમાં જ સુવાળા રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. તા. 22 જૂન-2021 ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ સોમવારે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

 

આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નિલમબેન વ્યાસે સોમવારે વિધીવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નિલમબેન વ્યાસે કેસરીયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડયો હતો.

 

ભાવનગરના જીલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડીપ્લોમા સિવિલ એન્જીનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઇ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.

 

સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રીયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઇએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી છે. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ અને રીયલ એસ્ટેટ સહીતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગૃપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યા છે.

 

આશરે રૂ. 2,500 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા આ ગૃપના એમ.ડી. તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યા છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.

 

એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરતાં મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઇએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

 

પી.પી. સવાણી ગૃપ રીયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ મીડીયમની સ્કૂલો ચલાવે છે. આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.

 

મહેશ સવાણી સાથે જોડાયેલા કેટલાંક વિવાદોની વાત કરીએ તો ચારેક વર્ષ પહેલા ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખની સાથે જમીનમાં ચિટીંગ કરી ધમકી આપવા મામલે મહેશ સવાણી અને તેના પિતા વલ્લભભાઇ સવાણી (ટોપી) સામે કતાર ગામ પોલીસમાં અરજી થઇ હતી.

 

આ ઉપરાંત જાન્યુઆરી-2020 માં બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેશ સવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસે તેમના ચાર સાગરીતોને સવાણીની ઓફીસમાંથી ઝડપી પાડયા હતા. આ સમયે મહેશ સવાણી ફરાર થઇ ગયા હતા.

 

મહેશ સવાણી પર આરોપ લાગ્યો હતો કે, પાર્લે પોઇન્ટની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતાં બિલ્ડર ગૌતમ ખોડીકા પટેલના બંગલે મહેશ સવાણી અને તેના સાગરીતોએ બિલ્ડરને કારમાં બેસાડી ઓફીસે લઇ જઇ માર માર્યો હતો. બિલ્ડરની પાસેથી રૂ. 3 કરોડની રકમના બદલામાં બંગલો લખી આપવા અથવા રૂ. 19 કરોડની રકમ આપવા દબાણ કર્યું હતું.

 

2019 ની લોકસભા ચૂંટણીમાં મહેશ સવાણીને ભાજપમાંથી સુરત બેઠક માટે ટીકીટ આપવાની ચર્ચાએ વેગ પકડયો હતો. પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને બહાર લાવવા માટે મહેશ સવાણીએ ભારે મહેનત કરી હતી.

 

મહેશ સવાણીએ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની કડી રૂપ ભૂમિકા ભજવીને હાર્દિકને જામીન પર છોડાવવા માટે સિંહ ફાળો આપ્યો હતો.

 

સુરતના ઉદ્યોગપતિ અને હજારો દત્તક દીકરીઓના પિતા એવા ભામાશા ગણાતા મહેશભાઇ સવાણીએ કોરોનીની બીજી લહેર સમયે ‘સેવા’ નામે શરૂ કરેલા સંગઠનની 11 કોવિડ આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યાં હતા અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ તેમની ટીમ લઇને કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે પહોંચ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!