લાખણીના ધુણસોલ-કોટડા ગામની વિધવા મહીલા ઉપર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવતાં ચકચાર

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ગુનાખોરીની ઘટનાઓમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે મોડી રાત્રે લાખણી તાલુકામાં આવેલા ધુણસોલ-કોટડા ગામમાં ઘરમાં સૂઇ રહેલી મહીલા પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી મહીલાને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકામાં આવેલા ધુણસોલ-કોટડા ગામમાં વિધવા મહીલા રાજેશ્વરીબેન મીઠાલાલ શાહ (ઉં.વ.આ. 45) તેમનો અપંગ પુત્ર શૈલેષ (ઉં.વ.આ. 16) સાથે રહે છે. રવિવારે મોડી રાત્રે રાજેશ્વરીબેન ઘરમાં સૂતા હતા.

 

 

તે દરમિયાન અચાનક બે અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાં પ્રવેશ કરીને મકાનમાં રહેલી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તિજોરી આ તસ્કરોથી ન ખૂલતાં તસ્કરોએ બાજુમાં રૂમમાં સૂઇ રહેલા રાજેશ્વરીબેન પાસે જઇને તેમનું મોઢું દબાવીને માથા અને હાથના ભાગે લોખંડના આંકડાનો પ્રહાર કરીને તેમના ગળામાં રહેલી બે તોલા સોનાની ચેન, બે ગ્રામની બુટ્ટી, 6 તોલાની સોનાની બંગડી, એક તોલાની બે વીંટી અને રૂ. 10,000 ની રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા હતા.

 

 

આ ઘટના બનતા ઘરમાં સૂઇ રહેલા રાજેશ્વરીબેન શાહે બૂમાબૂમ કરતાં તેમના પરિવારના અન્ય સભ્યો આજુબાજુમાંથી દોડી આવ્યા હતા. આ અંગે સોમવારે વહેલી સવારે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

જ્યારે ઇજાગ્રસ્ત થયેલા રાજેશ્વરીબેન શાહને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે. આ ઘટનાને પગલે આગથળા પોલીસે બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે અને આ ઘટનાનો ભોગ બનનાર રાજેશ્વરીબેન શાહનું નિવેદન લઇને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share