ભય: થરાદના વેપારીઓએ બે ડોઝ લીધેલા નહીં હોય તો દુકાન ખોલવા નહીં દેવાય સુચન

Share

કોરોનાની ત્રીજી લહેર સામે આગમચેતીના ભાગરૂપે નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે બુધવારે થરાદ શહેરના તમામ એસોસિએશનના પ્રમુખો અને આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં માસ્ક ફરજિયાત પહેરવા અને પહેરાવવાની તથા થરાદના વેપારીઓએ બે ડોઝ લીધેલા નહી હોય તો દુકાન ખોલવા નહીં દેવાય તેવી તાકીદ કરી હતી.

 

કોરોનાની આગમચેતીના પગલાંના ભાગરૂપે થરાદના નાયબ કલેકટરની અધ્યક્ષતામાં પ્રાંત કચેરીએ બુધવારે તમામ એસોસિએશનના પ્રમુખ અને અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી. નાયબ કલેક્ટર વી.સી.બોડાણાએ તમામ વેપારી માસ્ક પહેરે અને ગ્રાહકોને પણ પહેવરાવે તેવી તાકીદ કરી હતી.

કામ કરતા માણસોએ ફરજીયાત બે ડોઝ લીધેલા હોવા જોઇએ નહીતર દુકાન ખોલવા દેવાશે નહી, ગ્રાહક જોડે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા માસ્ક ફરજિયાત પહેરી રાખવું જો નાક બહાર દેખાશે તો 1000 રૂપિયા દંડ વસુલવામાં આવશે અને દુકાનમાં સેનેટાઈઝર ફરજીયાત રાખવાની સુચના આપવામાં આવી હોવાનું હાર્ડવેર એસો.ના પ્રમુખ વરધાજી રાજપુતે જણાવ્યું હતું.

 

બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ, મામલતદાર દિપક દરજી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એચ.વી.જેપાલ, ચીફઓફિસર પંકજ બારોટ,પાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત, સદસ્ય દિપક ઓઝા સહિત વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ASP પુજા યાદવે બેદરકારી દાખવતાં જણાશે તો કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.

 

 

From – Banaskantha Update


Share