ડીસાની એક શાળામાં બે કોરોના પોઝીટીવ કેસ મળી આવતાં ચકચાર

Share

 

કોરોના વાયરસ એકવાર ફરી માથું ઉંચકી રહ્યો છે અને બેકાબૂ બનેલા કોરોનાએ હવે શાળામાં પણ એન્ટ્રી કરી દીધી છે. ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલના એક શિક્ષક અને એક વિદ્યાર્થીનીને બુધવારે કોરોના પોઝીટીવના કેસ મળી આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે.

 

 

કોરોના વાયરસની ત્રીજી લહેરે એન્ટ્રી કરી દીધી છે અને ભારતમાં પણ કોરોનાના પોઝીટીવ કેસ પ્રતિદિન 58,000 થી વધુ નોંધાઇ રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ શાળાઓમાં એન્ટ્રી કરી દીધી છે. શાળામાં કોરોના વાયરસની એન્ટ્રીએ ખૂબ જ ભયાનક બાબત છે.

 

 

કારણ કે, બાળકોને હજુ સુધી વેક્સિનેશન કરવામાં આવ્યા નથી અને તેના લીધે બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાવવાની દહેશત છે. ચિંતાની વાત એ છે કે, ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલના શિક્ષક હીતેશભાઇ પટેલ અને વિદ્યાર્થીની રોશની લુહારને કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે.

 

 

જેમાં શાળાના શિક્ષક હીતેશભાઇ પટેલને શરદી અને ખાંસીના લક્ષણો જણાતાં ડીસાની અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર અર્થે ખસેડયા છે. તે દરમિયાન એન્ટીજન ટેસ્ટ લેવામાં આવતાં કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું.

 

જેથી ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક હરકતમાં આવીને ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલમાં પહોંચી વિદ્યાર્થીઓના એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા.

 

જેમાં વિદ્યાર્થીની ધો. 10 માં અભ્યાસ કરતી રોશની લુહારને પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. સરદાર પટેલ હાઇસ્કૂલમાં એક સાથે બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતાં ડીસાનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને શાળામાં વધુને વધુ બાળકોના એન્ટીજન ટેસ્ટ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલમાં કોરોનાના બે પોઝીટીવ કેસ મળી આવતાં શાળામાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ત્યારે જે રીતે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને શાળામાં કોરોનાની એન્ટ્રી થઇ જતાં અન્ય શાળાના સંચાલકોએ પણ હવે ગંભીર બનવાની જરૂર છે.

 

બાળકોમાં જો કોરોનાનું સંક્રમણ એકવાર ફેલાવવા માંડયું તો આગામી સમયમાં તેના ભયાનક પરિણામ આવી શકે તેમ છે. એટલે શાળાઓના ઓનલાઇન અભ્યાસ વિશે સરકાર દ્વારા પણ વિચારવું જરૂરી બની ગયું છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share