બનાસકાંઠામાં 15 થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ

Share

 

રાજ્ય સરકાર દ્વારા સોમવારને તા. 3 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે

જેના પગલે બનાસકાંઠા જીલ્લામાં આદર્શ વિદ્યાલય-ડીસા અને પાલનપુર વિદ્યા મંદિર સ્કૂલ કેમ્પસમાં 15 થી 18 વર્ષના કિશોરો માટેના રસીકરણ અભિયાનનો જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેએ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા વિકાસ સ્વન્પીલ ખરેએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં 18 વર્ષ ઉપરના 90 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.

ભારત સરકારની સુચના મુજબ સોમવારથી 15 થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનું શરૂ કરાયું છે. જૂની પેઢીની સરખામણીએ નવી પેઢી વિજ્ઞાનને વધુ સારી રીતે સમજે છે. એટલે આ રસીકરણ અભિયાનમાં બહુ ઉત્સાહથી તમામ શાળાના બાળકોએ ભાગ લીધો છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે આ રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. જીલ્લામાં 2.20 લાખ જેટલાં 15 થી 18 વર્ષના કિશોરોનું ચારથી પાંચ દિવસમાં રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘તા. 10 જાન્યુઆરી-2022 પછી જીલ્લામાં 25,219 હેલ્થ વર્કરો અને 47,058 ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને અને 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનો અને કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા દર્દીઓને બૂસ્ટર ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

ડીસામાં 15 થી 18 વર્ષના કિશોરોને 6,822 ના પ્રથમ ડોઝ વેક્સિનેશન કરાયું

ગુજરાતમાં બાળકો કોરોનાના સંક્રમણમાં આવતાં અટકી શકે જેને લઇને સોમવારથી સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન હાથ ધરાયું હતું. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ વેક્સિનેશનની પ્રક્રીયા હાથ ધરાઇ હતી અને ખાસ કરીને ડીસામાં પણ 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોમાં વેક્સિનેશન હાથ ધરાયું હતું.

જેમાં ડીસામાં સોમવારે પ્રથમ દિવસે બનાસકાંઠા જીલ્લાના ડી.ડી.ઓ. સ્વન્પીલ ખેરના અધ્યક્ષતામાં બાળકોને વેક્સિનેશન હાથ ધરાયું હતું અને વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ મળી રહે તેના ભાગરૂપે ભારે ઉત્સાહ સાથે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. સોમવારે પ્રથમ દિવસે ડીસા તાલુકામાં 15 થી 18 વર્ષના 6,822 બાળકોએ વેક્સિનેશનનો લાભ લીધો હતો.

 

 

From – Banaskantha Update

 


Share