બનાસકાંઠામાં નીલગાયની સંખ્યાને નિયંત્રણ કરવા માટે સક્કરબાગ ઝૂમાંથી 10 વરુ લવાશે

Share

ભરપૂર વન્ય સંપદા ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં એક સમયે ખારાશવાળી જમીન પરના વિશાળ પટ્ટામાં વરુ રહેતા હતા, જેને સરહદી પંથકની પ્રજા નાર તરીકે ઓળખે છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં નીલગાયનો ભારે આતંક છે, જે ખેતરોમાં ઉભો પાક આરોગી જતાં ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. તેવામાં વન વિભાગે નીલગાયની સંખ્યા પર નિયંત્રણ લાવવા બનાસકાંઠા જિલ્લામાં વરુને રિ-ઇન્ટરડ્યૂસ અને રિ-વાઇડનિંગ પ્રોજેકટ અમલમાં મુક્યો છે.

 

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, વરુને માત્ર બનાસકાંઠા જિલ્લામાં લાવીને છોડી દેવા પ્રક્રિયા નહીં કરાય, પરંતુ તેમના માટે એક સેન્ટર બનાવાશે. જેમાં તેમને શિકાર માટેની તાલીમ અપાશે. કારણ કે, વરુ સક્કરબાગ ઝૂમાંથી લાવવાના હોવાથી તેમને શિકાર કરવાની ટેવ પાડવી પડશે.

બનાસકાંઠા જિલ્લા નોર્મલ રેન્જના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર મિતેશ પટેલે જણાવ્યું કે, 12 વર્ષનું આયુષ્ય ધરાવતા અને નીલગાયના બચ્ચા અને હરણ, સસલાં જેવાં જીવોને આરોગતા વરુના પુનર્વસન માટેનો પ્રોજેક્ટ નવા વર્ષમાં જિલ્લામાં અમલી થવા જઈ રહ્યો છે. વાવ, થરાદ અને સુઈગામના ઝાડી ઝાંખરાંવાળાં વિસ્તારોમાં સક્કરબાગ ઝૂમાંથી 10 વરુને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રથમવાર લવાશે. અહીં તેમને વિશાળ જગ્યામાં રાખી નીલગાયના શિકાર કરવા માટે અનુકૂળ માહોલ ઉભો કરાશે. જેમાં પ્રગતિ અને સફળતાના આધારે બીજા વધુ વરુ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

 

હાલમાં બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ તાલુકાના રાછેણાં, લોદ્રાણી, મૂળાબેટ અને કારેલી ગામોના અંતરિયાળ વિસ્તારોમાં 20-25 વરુ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં નીલગાયની વધતી જતી પ્રજાતિ પર અંકુશ મેળવવા સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પર અમલ કરાઇ રહ્યો છે. હાલમાં અમે વાવ, થરાદ સુઇગામમાં અનુકૂળ સાઈટ માટે જગ્યા શોધી રહ્યા છીએ.

 

From – Banaskantha Update


Share