ACBએ એક સરકારી અધિકારીને રંગેહાથ 10 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો

Share

લાંચ પેટે લાખો-કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી હોય એવા સમાચારો તો વાંચવામાં આવતા હશે પણ રાજ્યના નર્મદા જિલ્લામાં એક સરકારી કર્મચારી માત્ર 10 રૂપિયાની લાંચ રંગેહાથે ઝડપાયો હતો. જિલ્લાની ગ્રામીણ વિકાસ એજન્સીના કૉમ્પ્યૂટર ઑપરેટર પ્રવીણ તલારે બીપીએલનો દાખલો કઢાવી આપવા માટે અરજદાર પાસેથી 10 રૂપિયાની લાંચ માંગી હતી. જાગૃત નાગરિક એવા અરજદારે આ અંગે નર્મદા એસીબીને ફરિયાદ કરી એ પછી આ કર્મચારી લાંચ લેતા પકડાયો હતો.

 

નર્મદા જિલ્લામાં નરેગાથી લઇ કેટલીક શાખાઓમાં કરાર આધારિત કર્મચારીઓ બેફામ બની ગયા છે. ટકાવારી અને રૂપિયા વગર કામ જ નથી કરતા એવી ફરિયાદો ખેડૂતો અને લાભાર્થીઓ કરે છે પણ અધિકારીઓ પણ કાંઈ સાંભળતા નથી એટલે જાગૃત નાગરિકોએ આવું પગલું ભરવું પડે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બીપીએલ કાર્ડ ધરાવતા માણસોને બીપીએલ દાખલો વિનામૂલ્યે આપવાનો હોય છે. પરંતુ આ દાખલો કાઢી આપવા બદલ રૂ.10 થી રૂ.100 સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે એવી ફરિયાદ જાગૃત નાગરિક તરફથી નર્મદા ACB પીઆઈ ડી.બી.રાઠવાને કરવામાં આવી હતી.

ત્યારપછી ACBની ટીમે તે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સહકાર આપનાર ડીકોયરનો સંપર્ક કરી તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરતા આ કોમ્પ્યૂટર ઓપરેટર (કરાર આધારીત) ડી.આર.ડી.એ. શાખાના પ્રવીણ શનાભાઈ તલાર ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-1 ની હાજરીમાં બી.પી.એલ. દાખલો કાઢી આપી અવેજ પેટે લાંચની રકમ રૂ.10 ની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયો હતો. પોલીસે કર્મચારીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share