બનાસકાંઠામાં વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતો ચિંતિત : ખેતીના પાકોને નુકશાન થવાની ભીતિ

Share

 

બનાસકાંઠા જીલ્લામાં સોમવારે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થતાં માવઠા જેવી સ્થિતિ સર્જાઇ હતી. વારંવાર વાતાવરણમાં પલ્ટો આવતાં ખેતીના પાકોને નુકશાન થવાની ભીતિ થતાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

 

 

બનાસકાંઠા જીલ્લા માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી પડતી નજરે પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા તા. 28 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહીની અસર શરૂ થઇ ગઇ છે.

 

સોમવારની વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશમાં છૂટાછવાયા વાદળોથી ઘેરાઇ જતાં તાપમાનનો પારો વધી ગયો હતો. ડીસામાં 4 ડિગ્રી તાપમાન વધતાં લઘુતમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળતાં ખેતીના પાકોને નુકશાન થવાની સંભાવના વધી ગઇ છે.

 

ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં જીરૂ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર કરાયું છે અને આવા વાતાવરણને કારણે ખેતી પાકોમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી જતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવું કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share