ક્રિસમસ અને 31 ડીસેમ્બરની ઉજવણી પર લાગશે રોક ? કેન્દ્રની ગાઇડલાઇનને આધારે કડક પ્રતિબંધ ગુજરાતમાં આવે તેવી સંભાવના

Share

 

ગુજરાતમાં તા. 25 મી ડિસેમ્બરથી તા. 31 મી ડિસેમ્બર દરમિયાન રાજ્ય સરકાર ગુડ ગવર્નન્સ અને નદી ઉત્સવ ઉજવવાની છે અને તા. 10 થી તા. 12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવાની છે. ત્યારે લોકોના ઉત્સવો પર બ્રેક લગાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

 

 

નવી દિલ્હીમાં ક્રિસમસ અને ન્યૂ-યરની પાર્ટી પર પાબંધી મૂકવામાં આવી છે તેવા પ્રતિબંધ ગુજરાતમાં પણ આવે તેવી સંભાવના છે. વાઇબ્રન્ટ સમિટમાં સરકારને કોરોનો કે ઓમિક્રોન વેરીયન્ટ નડતો નથી પરંતુ નાતાલ અને નવા વર્ષની ઉજવણી નડી રહી છે.

 

વિદાય લઇ રહેલાં 2021 ના વર્ષમાં સરકારે તેની ઉજવણીઓ ચાલુ રાખી છે પરંતુ નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવો નિર્દેશ મળ્યો છે.

 

રાજ્યના ટોચના અધિકારીએ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન વેરીયન્ટના કેસો વધતાં જાય છે. જેથી કોરોનાની ગાઇડલાઇનમાં મોટા ફેરફારો આવી શકે છે. જો કે, કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણેના કડક નિયંત્રણો મૂકવામાં આવી શકે છે.’

 

ગુજરાતમાં ઓમિક્રોન વેરીયન્ટના નવા 7 કેસ માત્ર વડોદરામાં નોંધાયા છે અને કુલ આંકડો 30 થવા આવ્યો છે. જ્યારે કોરોના સંક્રમણના સૌથી વધુ 111 કેસ જોવા મળ્યા છે.

 

આ સંજોગોમાં ક્રિસમસ અને ન્યૂ-યરની ઉજવણી પર રોક લાગી શકે છે. રાજ્યમાં ફરીથી માસ્ક નહીં પહેરેલા લોકો સામે દંડાત્મક કાર્યવાહીની સુચનાઓ આવી શકે છે. સચિવાલયમાં ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના સંક્રમણ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.

 

જેમાં કેટલાંક નિર્ણય લેવામાં આવ્યા છે. એવું જોવામાં આવ્યું છે કે, ‘રાજ્યમાં સરકારી ઉત્સવ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે મેળાવડા ગોઠવવામાં આવતાં હોય છે.’

 

ગુડ ગવર્નન્સ સપ્તાહમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકત્ર કરવામાં આવશે. જ્યારે નદી ઉત્સવમાં લોકોના ટોળા ભેગા કરાશે. જો કે, હજી સરકારે આ બંને ઉત્સવ અંગે કોઇ નિર્ણય લીધો નથી

 

પરંતુ ઓમિક્રોનના કારણે કેટલાંક પ્રતિબંધ લાદવામાં આવે તેવી સંભાવના છે. જેમાં ગુડ ગવર્નન્સ સપ્તાહ અને નદી ઉત્સવ ઉજવવો કે નહીં તેનો નિર્ણય પણ આગામી બે-ત્રણ દિવસમાં લેવામાં આવશે.

 

રાજ્યમાં ઓમિક્રોનના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લીધો છે. પરંતુ ઉદ્યોગ વિભાગ શુક્રવારે પણ વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે અને શહેરી વિસ્તારમાં કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.

 

આ સંજોગોમાં મહાત્મા મંદિરમાં આવતાં વર્ષના પ્રારંભે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ કરવી કે કેમ તે અંગે ઉદ્યોગ વિભાગ સિવાયના અન્ય વિભાગોના અધિકારીઓમાં દ્વીધા પ્રવર્તી રહી છે પરંતુ સરકાર આ સમિટ યોજવા હજી મક્કમ ગતિએ આગળ વધી રહી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share