ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્રણ દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યાં

Share

 

ડીસામાં વર્ષો જૂની ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે અંદાજીત રૂ. 200 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ ઓવરબ્રિજ ગુજરાતનો પહેલા નંબરનો ઓવરબ્રિજ છે.

 

 

પરંતુ આ નવો ઓવરબ્રિજ બન્યા બાદ પણ જૂના વિવાદો હજુ પણ હયાત છે. ત્યારે ગુરૂવારે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ ઓવરબ્રિજમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં ત્રણ દિવસ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે.

 

 

ડીસામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 27 પર વર્ષોથી ટ્રાફીકની સમસ્યાને લઇ ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લાની પ્રજા ત્રસ્ત બની ગઇ હતી અને આ સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા અંદાજીત રૂ. 200 કરોડના ખર્ચે રાજ્યનો સહુથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.

 

 

ડીસાને નવો ઓવરબ્રિજ બન્યા બાદ પણ સમસ્યાનું નિવારણ થયું નથી. રૂ. 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ઓવરબ્રિજ પર લાઇટો પણ મૂકવામાં આવી હતી પરંતુ ચાલુ ન હોવાથી રાત્રિ દરમિયાન લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

 

 

આ ઉપરાંત આ ઓવરબ્રિજ બન્યા બાદ જે જૂનો હાઇવે હતો તે જૂનો હાઇવે ક્ષતિગ્રસ્ત થયો હતો તેનું પણ સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઓવરબ્રિજના નીચે મોટી જગ્યા ખુલ્લી હોવા છતાં પાર્કિંગની સુવિધા ન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

 

 

આ તમામ મુશ્કેલીઓના નિવારણ માટે અસંખ્ય લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ જ પરિણામ ન આવતાં ગુરૂવારે આ અંગે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

 

 

આ અંગે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજ પર લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે

 

 

પરંતુ ચાલુ ન કરતાં આ સુવિધા માટે નગરપાલિકામાં રજૂઆત કરતાં નગરપાલિકા નેશનલ હાઇવે ઓથોરીટીની જવાબદારી હોવાનું જણાવે છે અને નેશનલ હાઇવે ઓથોરીટી આ નગરપાલિકાની જવાબદારી જણાવી રહ્યા છે.’

 

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડો. રમેશભાઇ ચૌધરીએ ભાજપ શાસિત ડીસા નગરપાલિકા પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ‘નગરપાલિકામાં થતાં ભ્રષ્ટાચારની માત્ર 10 ટકા રકમથી પણ ઓવરબ્રિજ પર લાઇટો ચાલુ થઇ શકે છે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share