સેલ્ફીના મોહે લીધો જીવ : નર્મદા કેનાલ નજીક સેલ્ફી લેતી સમયે એક યુવક ડૂબ્યો : બચાવવા ગયેલ ત્રણ યુવકો પણ ડૂબ્યા

Share

 

ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ અને બહીયલના તરવૈયાની ટીમ દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો 21 વર્ષિય યુવક સવારથી ગુમ હોવાથી તેના પિતા પણ કેનાલ પર હાલમાં દોડી આવ્યા છે.

 

 

ગાંધીનગર જીલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અપમૃત્યુના બનાવો દિવસેને દિવસે વધી જવા પામ્યા છે. બુધવારે પણ રાયપુર નર્મદા કેનાલમાં ચાર યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કલાકોથી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બહીયલના તરવૈયાની ટીમ પણ ચારેય યુવકોને શોધવા માટે કેનાલમાં તપાસ કરી રહ્યા છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બુધવારે સવારના સમયે રાયપુર નર્મદા કેનાલ પાસે બાઇક અને એક્ટીવા પર નિકુંજ અનિલભાઇ સગર (ઉં.વ.આ. 24), સાહીલ અરવિંદભાઇ પટેલ (ઉં.વ.આ.21), જયદીપ સબવાણિયા (ઉં.વ.આ. 20) અને સ્મિત રાકેશભાઇ પટેલ (ઉં.વ.આ. 19) એમ ચાર યુવકો આવ્યા હતા.

 

 

જેમાંથી એક યુવકનો બર્થડે હતો. કેનાલ નજીક યુવકો સેલ્ફી લઇ રહ્યા હતા. તે દરમિયાન એક યુવકનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવકો પણ કેનાલમાં ઉતર્યા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

 

 

આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. કેનાલ પરથી પોલીસને બે જોડ ચપ્પલ પણ મળી આવ્યા છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં અરવિંદભાઇ પટેલ પોતાના પુત્ર સાહીલની શોધખોળ કરવા માટે રાયપુર કેનાલ દોડી આવ્યા છે.

 

 

તેમણે જણાવ્યું હતું કે, ‘બુધવારે સવારે 21 વર્ષિય સાહીલ નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે નોકરી પર ગયો નથી. મને ચાર યુવકો ડૂબ્યાની જાણ થતાં અહીં આવ્યો છું. સાહીલના ક્યાં મિત્રો છે તે પણ મને ખબર નથી. જ્યારે સાહીલનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો છે.’

 

આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચાર યુવકો કોણ કોણ હતા તેની હજી ઓળખ થઇ નથી. હાલમાં શોધખોળ ચાલુ જ છે. કેનાલનું પાણી નીચેથી વહેણવાળુ હોવાથી યુવકો આગળ તણાઇ ગયા હોવાની શંકા છે.’

 

આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિશ્વાસ એપાર્ટમેન્ટમાં રહેતાં ગૌરવ સુરેશ ભારતી બાવાનો જન્મ દિવસ હોવાથી આજ સોસાયટીમાં રહેતાં સ્મિત પટેલે બર્થડે ઉજવવા માટે કેનાલનું સ્થળ નક્કી કર્યું હતું. અગાઉ ડભોડા મંદિરે દર્શને આવેલા હોવાથી તે સમયે કેનાલ જોઇ હતી.

 

જેથી નક્કી થયા મુજબ પાંચ મિત્રો કેનાલ પર ભેગા થયા હતા અને કેક પણ લઇ આવ્યા હતા. બાદમાં કેનાલની લોખંડની ગ્રીલ નજીક કેક કાપી રહ્યા હતા અને ફોટોગ્રાફી કરતા હતા. એ વખતે એક મિત્રનો પગ લપસી જતાં તે કેનાલમાં પડયો હતો.

 

જેને બચાવવા માટે એક પછી એક અન્ય ત્રણ મિત્રો પણ કેનાલમાં ઉતર્યા હતા. જ્યારે ગૌરવ કેનાલની બહાર રહ્યો હતો. જેણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share