બનાસકાંઠા ભૂસ્તર વિભાગે થરા નજીક ચેકીંગ હાથ ધરતાં રેતી ભરેલાં બે ડમ્પરો ઝડપાયા : રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા શનિવારે વહેલી સવારે ખાનગી રાહે ચેકીંગ હાથ ધરી રોયલ્ટી વગરના રેતી ભરેલા બે ડમ્પરો ઝડપી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તર વિભાગે થરા નજીક ખાનગી વાહનોમાં બેસી ચેકીંગ હાથ ધરી બે રેતી ભરેલાં ડમ્પરો ઝડપી પાડીને રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નોંધનીય છે કે, ભૂસ્તર વિભાગની લાલ આંખના કારણે ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ શનિવારે વહેલી સવારે ચાર વાગ્યાની આજુબાજુ ભૂસ્તર વિભાગની ટીમ ખાનગી વાહનમાં બેસી ચેકીંગ અર્થે નીકળી હતી. દરમિયાન તેઓ શિહોરી-થરા વચ્ચે હાઇવે પર ચેકીંગમાં હતા.

 

ત્યારે બે ડમ્પરો નં. GJ-08-Y-9653 માં 32 ટન નદીની સાદી રેતી અને GJ-08-Y-8071 માં 22 ટન નદીની સાદી રેતી ભરેલી હતી. જેના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા બંને ગાડીઓના ચાલકો પાસેથી રોયલ્ટી પાસ મળી ન આવતાં બંને ડમ્પરો સહીત રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નજીકના પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

 

આ અંગે બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘ખનીજ ચોરી ઝડપવા અમારી ટીમ દિવસ-રાત એક કરી ખાનગી વાહનોમાં બેસીને ખનીજ ચોરી ઝડપી રહી છે. અમે ખનીજ ચોરી કરતાં તત્વોને ઝડપવા તમામ પ્રયાસો કરીશું અને શનિવારે વહેલી સવારે જપ્ત કરાયેલા બે ડમ્પરોને પગલે રૂ. 4.70 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવશે.’

 

બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રીની લાલ આંખના કારણે ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. ભૂસ્તર વિભાગની ટીમ જ્યારે સરકારી ગાડી લઇને નીકળે ત્યારે ખનીજ માફીયાઓ પીછો કરતાં હોય છે અને ગૃપમાં મેસેજ કરી એકબીજાને જાણ કરતાં હોય છે. ત્યારે ખનીજ વિભાગે હવે સરકારી ગાડીની જગ્યાએ ખાનગી વાહનનો ઉપયોગ કરીને પણ ખનીજ ચોરી ઝડપી પાડી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share