રાધનપુરમાં કારની ટક્કરે યુવકનું મોત

Share

રાધનપુર-મહેસાણા હાઇવે પર ગુરૂવારે વેગેનર કારની ટક્કરે નર્મદા નિગમ કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. વરસડા ગામના આ યુવકનું અકસ્માતે મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

 

 

આ અકસ્માતની વિગત એવી છે કે, રાધનપુર-મહેસાણા હાઇવે પર આવેલી નર્મદા નિગમ કચેરીમાં કોન્ટ્રાક્ટ બેજ પર ફરજ બજાવતાં વરસડા ગામના ભરત કાન્તીભાઇ વાલ્મિકી ગુરૂવારે બાઇક લઇને રાધનપુર હાઇવે પર આવતાં હતા.

 

 

ત્યારે રાધનપુરથી મહેસાણા તરફ જતી વેગેનર ગાડી નં. GJ-01-KD-3664 ના ચાલકે ગાડી પૂરઝડપે હંકારી તેમને પાછળથી ટક્કર મારતાં બાઇક સવાર ભરતભાઇને હાથ-પગ અને માથામાં મગજના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. જો કે, આ અંગે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

 

અકસ્માત થતાંની સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. જ્યારે મૃતકના પરિવારજનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. મૃતદેહને પી.એમ. અર્થે રાધનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

 

આ ઘટનાને પગલે રાધનપુર પોલીસે વેગેનર કારના ચાલક સામે આઇ.પી.સી.ની કલમો-279, 304(A) અને મોટર વ્હીકલ એક્ટની કલમો-177, 184, 134 અને 187 ના આધારે ગુનો નોંધ્યો છે.

 

 

આમ 21 વર્ષિય યુવકના મોતના સમાચાર વાયુવેગે વરસડા ગામે પહોંચતાની સાથે ગામમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.

 

From – Banaskantha Update


Share