બર્થ ડે પાર્ટી મનાવવા એક્ટિવા પર જઈ રહેલા ત્રણ મિત્રને ડમ્પરે ટક્કર મારતાં બેનાં મોત, મૃતક બન્ને પરિવારના એકના એક પુત્રની છત્ર છાયા ગુમાવી

Share

દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટીયા પાસે ગઈકાલે રાત્રિના સમયે બર્થડે પાર્ટી ઉજવવા માટે ત્રણ મિત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે જેનો બર્થ ડે હતો. તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું તેમજ ત્રીજા મિત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગતો એવી છે કે, ગાંધીનગર જીલ્લાના દહેગામની અમીન વાડોમાં રહેતાં 23 વર્ષિય મયૂર સુધીરભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે તા. 8 ડીસેમ્બરના રોજ તેના મિત્ર મયૂર મોહનભાઈ લાખાણીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે તેના બીજા મિત્ર નીલ ગૌતમભાઈ અમીન એમ ત્રણેય મિત્ર એક્ટિવા પર અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.

 

 

રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં દહેગામ-નરોડા હાઇવે રોડ વડોદરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એક્ટિવા મયૂર લાખાણી ચલાવતો હતો. આ દરમિયાન લીલારાવ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ટ્રકનં. GJ-07-YZ-7018 ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી અને પૂરપાટ ઝડપે હંકારી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.

 

 

અકસ્માત થતાં જ ત્રણેય મિત્રો એક્ટિવા પરથી ઊછળીને જમીન પર પટકાયા હતા. જેને કારણે નીલ અમીનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બંને મિત્રને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવના પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફત મયૂર લાખાણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ મયૂર ઠાકોરને ખાનગી એમ્બ્યુલન્સમાં દહેગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

સિવિલમાં ગંભીર ઈજાગ્રસ્ત મયૂરની સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ થોડીક વારમાં જ તેનું પણ અકાળે અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં ત્રણેય મિત્રનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. જ્યારે મયૂરનો જન્મદિવસ જ મોતનો દિવસ સાબિત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.

જ્યારે બંને મિત્ર પરિવારમાં એકના એક પુત્ર હોવાથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બનાવના પગલે ડભોડા પોલીસ મથકના પી.એસ.આઇ. એન. એ. વછેટાએ ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

 

From – Banaskantha Update

 


Share