વિચિત્ર અકસ્માતમાં બેકાબુ ટ્રેલર પલ્ટી મારતા 2 પટેલ યુવક સહીત 3 યુવકોના મોત

Share

 

પાલનપુરના દેલવાડાથી વેટ મિક્ષ ભરી વણાકબોરી જઇ રહેલું ટ્રેલર ખેરાલુની દૂધશીત કેન્દ્ર આગળ પલ્ટી જતાં સામેથી આવી રહેલા બાઇક પર સવાર બે યુવકો ટ્રેલર વચ્ચે ફસાઇને વેટ મિક્ષના ઢગલામાં દટાઇ જતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

 

 

જ્યારે ટ્રેલરની અડફેટે આવી જતાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે વડનગર રીફર કરાયા હતા. જેમાં એક યુવકે રસ્તામાં જ દમ તોડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની વિગત એવી છે કે, પાલનપુરના આશિષ ટ્રાન્સપોર્ટમાં ટ્રેલર નં. GJ-02-U-0686 વેટ મિક્ષ ભરીને રવિવારે સાંજે દેલવાડાથી વણાકબોરી જવા નીકળ્યું હતું. અકસ્માત નજરે જોનારા દૂધશીત કેન્દ્ર આગળ આવેલા સહયોગ પાર્કના લોકોએ જણાવ્યું હતું કે, ‘સામેની સાઇડે એક વાહન ઉભો હતો

અને તેની નજીક વિસનગર તરફ જતાં મુસાફરો ઉભા હતા. ત્યારે પાલનપુર તરફથી આવી રહેલા ટ્રેલરને બ્રેક નહીં લાગતાં ચાલકે અકસ્માત નિવારવા રોંગ સાઇડે હંકારતાં સામેથી આવતું બાઇક નં. GJ-27-A-6909 ટ્રેલર અને ચાલકની કેબિન વચ્ચે ફસાઇ જતાં ટ્રેલર ચાલક ગભરાઇ ગયો હતો અને પાછળનું વ્હીલ ડીવાઇડર ઉપર ચડી જતાં ટ્રેલર પલ્ટી ખાઇ ગયું હતું.’

આ દુર્ઘટનામાં બાઇક સવાર વિસનગર કાંઠાના ગણેશપુરામાં રહેતાં કપિલકુમાર ભીખાભાઇ પટેલ અને અમરતભાઇ અંબાલાલ પટેલ ટ્રેલરમાંથી વપરાયેલી વેટ મિક્ષમાં દટાઇ જતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઢગલો ઉલેચાતો બંને યુવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

 

જ્યારે ટ્રેલર પલટ્યું ત્યારે સબંધીઓને લેવા આવેલો સુંઢીયાના સોઢુપુરાનો જીગર જુગાજી ઠાકોર ટ્રેલરની અડફેટે આવી જતાં તેનો જમણો પગ કપાઇ ગયો હતો. તેની સાથે નજીકમાં ઉભેલા એક અજાણ્યા યુવકને પણ જમણા પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાંથી વડનગર રીફર કરાયા હતા.

 

વડનગર સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘ઘાયલ બે પૈકી અજાણ્યા યુવકનું વડનગર પહોંચતાં પૂર્વે રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યારે સુખડીયાના યુવકને વડનગરથી મહેસાણા રીફર કરાયો હતો. આ અંગે પોલીસે ઘટનાસ્થળ પર મરણ ગયેલા બંને યુવકોની ઓળખ મેળવી લાશનું પી.એમ.કરાવી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હોઇ પોલીસે ટ્રાન્સપૉર્ટ માલિકીનો સંપર્ક કરી ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.‘

 

મૃતકોના નામ
(1) કપિલ ભીખાભાઇ પટેલ
(2) અમરત અંબાલાલ પટેલ (બંને રહે.ગણેશપુરા, કાંસા, તા. વિસનગર)
(3) અજાણ્યો યુવક

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share