અમીરગઢના કરઝામાં ધોળે દહાડે ઘરમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.1.25 લાખની મત્તાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર

Share

 

અમીરગઢ તાલુકાના કરઝા ગામમાં તસ્કરોએ ધોળા દિવસે શનિવારે એક મકાનમાં ખાતર પાડી સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ. 1.25 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કરઝા ગામના નરેન્દ્રસિંહ ખુમસિંહ ચૌહાણ શનિવારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખાનગી સિક્યુરીટીની નોકરીએ ગયા હતા. તેમના પત્ની વિસુબા અને બે બાળકો ઘરને લોક મારી ઘર અને તિજોરીની ચાવી ઘરની ઓસરીના આળીયામાં મૂકી ખેતરમાં ગયા હતા.

 

 

જે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ ચાવી વડે દરવાજાનું તાળુ ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી ખોલી શેફ્ટી લોક તોડી અંદર પડેલી રૂ. 37,500 ની હાથમાં પહેરવાની સોનાની લક્કી દોઢ તોલા, રૂ. 25,000 નો સોનાનો દોરો, રૂ. 12,500 ની સોનાની વિંટી નંગ-5, રૂ. 12,500 નો હાથમાં પહેરવાનો સોનાનો ઘોડો નંગ-1, રૂ. 12,500 ના કાનમાં પહેરવાના સોનાના પાનડીયા નંગ-2, 5 ગ્રામ, રૂ. 5,000 ના સોનાના કાનમાં પહેરવાના બૂટીયા નંગ-2 અને રૂ. 20,000 ના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1,25,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

 

 

 

સાંજે વિસુબા ખેતરેથી ઘરે આવતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે નરેન્દ્રસિંહે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે. કરઝા ગામમાં ધોળા દિવસે થયેલી ચોરી કોઇ જાણભેદુ શખ્સોએ કરી હોવાની આશંકાઓ છે. પોલીસે ડોગ સ્કવોર્ડની મદદ લઇ તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નો હાથ ધર્યાં છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share