ખંભાતના ભાલ વિસ્તારમાં 100થી વધુ અબાબિલ પક્ષીઓના મોત

Share

સમગ્ર ગુજરાતને ઘમરોળનારા કમૌસમી વરસાદ અને તેને પગલે પાંચેક દિવસ પહેલાં અચાનક વર્તાઈ રહેલી ઠંઠીની અસર માત્ર માનવજીવ પર જોવા નથી મળી, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી છે. ખંભાતના ભાલ વિસ્તારમાં પાંચેક દિવસ પહેલાં આવેલા વાતવરણીય પલટાને પગલે અંદાજે 100થી વધુ અબાબિલ પક્ષીઓના મોત નીપજ્યા હતા. જેને લઈને આણંદ જિલ્લા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું.

 

ખંભાત અખાતીય વિસ્તાર ધરાવે છે. તેમજ નવી આખોલ, વડગામ, રાલેજ, ધુવારણ, તરકપૂર,પાંદડ સહિતના ગામો દરિયાકાંઠે આવેલા છે. દરિયાઈ વિસ્તાર અને સૌંદર્યનો ખજાનો હોઈ દેશ-વિદેશના પક્ષીઓ ખંભાતમાં મહેમાન બને છે. ઠંડીની શરૂઆતથી જાત-જાતના પક્ષીઓ હજારો કિમી અંતર કાપીને ખંભાતના દરિયા કાંઠે, નદી કિનારા, વિસ્તારોની આસપાસ રહેણાંક બનાવી વસવાટ કરતા હોય છે.

જેમાં સ્વેલોની 83 પ્રજાતિ પૈકી ‘અબાબિલ’ નામના નાનકડા પક્ષીઓનું પણ ખંભાતના દરિયા કાંઠે આગમન થયું હતું. દરમિયાન, પાંચેક દિવસ પહેલાં ઠંડી ઉપરાંત ત્રણ દિવસમાં એકાએક માવઠું આવતા ઠંડીના તાપમાનમાં વધારો નોંધાયો હતો. વધુ પડતી ઠંડીને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાંથી 100થી વધુ અબાબિલ નામના પક્ષીના મોત થયા છે.

 

ઉલ્લેખનીય છે કે, સ્વેલોની 83 પ્રજાતિ પૈકીની એક પ્રજાતિ અબાબિલ છે. સ્વેલોને પ્રવાસી તરીકે પક્ષી હોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ઉડતા રહે છે. કદમાં નાના હોય છે. તળાવો, નદીકિનારા સહિતના પાણીની નજીકના વિસ્તારો અનુકૂળ હોઈ વસવાટ માટેના સ્થળો વધુ પસંદ હોય છે. ચકલી જેવો આકાર અને રંગે કાળા, લીલા, સફેદ સહિત અનેક રંગોમાં સ્વેલો જોવા મળે છે. કદ નાનું અને હદય ખૂબ જ નરમ હોય છે.

 

પક્ષીઓના મૃત્યુ થયાની જાણ થતાં ખંભાતના નવી આખોલ સહિત ગામોમાં સ્થળ તપાસ કરી છે. પક્ષીઓના મૃતદેહોને કબ્જે લઈ વેટરનરી કોલેજ-આણંદ ખાતે તપાસ અર્થે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં વધુ ઠંડીને કારણે મોત થયાનું જાણવા મળ્યું છે. ડી.એમ. ડાભી, ફોરેસ્ટ ઓફિસર, ખંભાત

 

 

From – Banaskantha Update


Share