બનાસકાંઠામાં કોલ્ડસ્ટોરેજ સીલ ન કરવા કલેકટર સમક્ષ માંગ કરાઈ

Share

બનાસકાંઠામાં અનેક કોલ્ડસ્ટોરેજને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાતા ખેડૂતો અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે ફરી એક વખત કલેકટર પાસે સીલ ન મારવાની માંગ કરાઈ છે.

 

બનાસકાંઠામાં સતત બટાકાના ભાવમાં મંદી આવવાના કારણે અનેક કોલ્ડ સ્ટોરેજની લોન ભરી ન શકવાના કારણે બેન્કો દ્વારા લોન વસૂલવા માટે કોલ્ડ સ્ટોરેજ સીલ મારવાની કાર્યવાહી માટે સરફેસી એક્ટ હેઠળ હાથ ધરી હતી. જોકે, બાદમાં જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતા થોડાક સમય માટે આ કાર્યવાહી સ્થગિત કરાઇ હતી.

 

ત્યારે ફરી એક વખત કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતાં ડીસાના વેપારી અને ભાજપ ગુજરાત બક્ષીપંચ મોરચાના મહામંત્રી પી.એન માળીએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાલ પૂરતી કાર્યવાહીને મોકૂફ રાખવાની માંગ કરી હતી ત્યારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પી.એન માળીની રજૂઆતને ધ્યાને લઇ લીડ બેંક સેલ બેન્ક ઓફ બરોડાને લેખિત પત્ર લખી નિયમ અનુસાર કાર્યવાહી કરવાની જાણ કરી હતી.

 

જોકે, હાલ બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજોમાં પડેલ બટાટાના ભાવ ન મળવા ના કારણે બટાટાનો સંગ્રહ પડેલ છે ત્યારે જો સ્ટોરેજને સીલ મારવામાં આવે તો સ્ટોરેજમાં પડેલ બટાટા સડી જાય અને ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થાય તેમ છે. ત્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ થોડાક સમય સુધી સીલ મારવામાં ન આવે તો માલનો નિકાલ થઈ શકે તેમ છે.

 

 

From – Banaskantha Update


Share